વિશ્વબજારમાં ક્રૂડનો ભાવ 126 ડોલરને પાર | Crude oil price crosses 126 in world market

![]()
– ઇરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ બંધ કરવા મુદ્દે સમજૂતી ન થતાં
– ક્રૂડની વધતી જતી કિંમતથી પરેશાન અમેરિકાએ વિશ્વના દેશોને હોર્મુઝ ખોલાવવા ખાનગી સંદેશા મોકલ્યા
– ભારતમાં ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો થવાની ભીતિ અગ્રણી બ્રાન્ડસ ભાવમાં નોંધપાત્ર વધારો કરી શકે
તહેરાન : અમેરિકા-ઇરાન વચ્ચેની શાંતિમંત્રણા અટવાઈ પડતા અને યુદ્ધનો અંત ન દેખાવવાની સાથે અમેરિકાની ઘેરાબંધી ચાલુ રહેતા ક્રૂડ ઓઇલ માર્ચ ૨૦૨૨ પછી પહેલી વખત ઉછળીને પ્રતિ બેરલ ૧૨૬ ડોલરે પહોંચ્યુ છે. આ દરમિયાન ક્રૂડ ઓઇલની વધતી કિંમતોથી પરેશાન અમેરિકાએ વિશ્વના દેશોને ખાનગી સંદેશ મોકલ્યો છે કે તે હોર્મુઝમાં આવનજાવન સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય જોડાણ બનાવે.
આ અગાઉ ચાર વર્ષ પૂર્વે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ આ સપાટીને પાર કરી ગયો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બુધવારે પ્રતિ બેરલ ૬.૨ ટકા વધીને ૧૨૫ ડોલરને વટાવીને ૧૨૫.૩૬ ડોલર થયો હતો. ફેબુ્રઆરીના અંતે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલર હતા. ઇરાન યુદ્ધ હવે નવમાં સપ્તાહમાં પ્રવેશી ચૂક્યુ છે અને તેનો અંત આવતો દેખાઈ રહ્યો નથી. અમેરિકાએ ચાલુ રાખેલી ઘેરાબંધીએ ક્રૂડમાં જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે. યુદ્ધ શરૂ થયા પછી એક સમયે ૧૨૦ ડોલરની નજીક પહોંચી ગયેલું ક્રૂડ યુદ્ધવિરામ થતાં ૮૮ ડોલરે પહોંચી ગયું હતું.
ઇરાને તો જણાવ્યું છે કે ક્રૂડ ૧૪૦ ડોલર વટાવી જશે તો પણ આશ્ચર્ય નહીં થાય. એક સમયે ઇરાન ચીમકી આપી ચૂક્યું છે કે જો આ મડાગાંઠનો ઉકેલ નહીં આવે તો ક્રૂડ ઓઇલ ૨૦૦ ડોલરની સપાટીએ પણ પહોંચી શકે.
ઇરાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેના પર જ્યાં સુધી ભય ઝળુંબતો રહેશે ત્યાં સુધી તેને ત્યાંથી પસાર થતાં જહાજોને રોકતા રહેશે. ઇરાને બુધવારે ચેતવણી આપી છે કે જો ઇરાન સાથે જોડાયેલા જહાજોને અમેરિકાની નાકાબંધી જારી રહી તો તે મોટી લશ્કરી કાર્યવાહી કરશે. આ દરમિયાન ટ્રમ્પે ફરીથી એક વખત જણાવ્યું છે કે તે ઇરાનને પરમાણુ શસ્ત્રો નહીં રાખવા દે, જ્યારે તહેરાનનું કહેવું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હેતુ માટે છે.ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ જણાવ્યું હતું કે તેઓ તેમની પરમાણુ ક્ષમતા અને મિસાઇલ ક્ષમતાનું રક્ષણ કરશે. આને લઈને અમેરિકાના દબાણ આગળ તે ઝૂકશે. નહી આ બધા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયન પ્રમુખ પુતિને જણાવ્યું છે કે તેઓ ત્રીજા અને તટસ્થ દેશ તરીકે ઇરાનનું સંવર્ધિત ૯૭૦ પાઉન્ડ યુરેનિયમ સલામત રીતે લઈ જવા માટે તૈયાર છે, જેથી આ વિવાદનો ઉકેલ આવી જાય. આ રીતે અમેરિકા-ઇરાન વચ્ચે પરમાણુ ડીલ પણ થઈ જાય. ટ્રમ્પે જણાવ્યું હતું કે મે પુતિનને એટલું જ જણાવ્યું છે કે તમે યુક્રેન સાથે ડીલ કરી લો તો વધારે સારું રહેશે. પુતિને ટ્રમ્પને સ્પષ્ટ જણાવી દીધું છે કે ઇરાનની ધરતી પર ભૂમિ કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને અત્યંત જોખમી હશે.
ક્રૂડ ઓઇલના ઉછાળા સાથે-સાથે ભારતના ખાદ્યતેલના ભાવમાં પણ ઉછાળો આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આમ મહિલાઓને ફટકો પડવાની તૈયારી છે. ભારત તેના ખાદ્યતેલની ૫૭ ટકા જરૂરિયાતની આયાત કરે છે. તેથી જ્યારે વૈશ્વિક બજારમાં પામ ઓઇલ, સોયાબીન અને સૂરજમુખીના તેલના ભાવ વધે છે ત્યારે તેની સીધી અસર ભારત પર પડે છે. છેલ્લા એક વર્ષ આ તેલોના ખર્ચમાં ૧૪થી ૨૦ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત વધેલા પરિવહનખર્ચે પણ તેનો ખર્ચ વધાર્યો છે. આ સંજોગોમાં ખાદ્યતેલના ભાવમાં વધારો અનિવાર્ય બને તેવી સ્થિતિ છે. સોયોબીન તેલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૫૮, સરસિયાનો ભાવ રૂ. ૧૮૯ અને સુરજમુખીનો ભાવ પ્રતિ લિટર ૧૮૪ રૂપિયા પર પહોંચી ચૂક્યો છે.
મોડી રાત્રે ક્રૂડમાં કડાકાથી ડાઉ જોન્સમાં 700 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદ : કંપનીઓના આકર્ષક પરિણામો અને મધ્યપૂર્વ તણાવ વચ્ચે ક્ડમાં તેજી બાદ પીછેહઠ થઈ હતી જેમાં બ્રેન્ટ ગગડીને ૧૧૪ ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ૧૦૪ ડોલરે પહોંચ્યા હતા. જેના પગલે આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૭૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
ઈરાન સાથેના સંઘર્ષમાં વધતા તણાવ સામે મજબૂત કોર્પોરેટ કમાણી અને ક્રૂડમાં વિક્રમી તેજી બાદ પીછેહઠ થતાં રોકાણકારોનું માનસ સુધારા તરફી રહેતા નવી લેવાલી પાછળ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. મોડી સાંજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સ ૭૧૧ પોઈન્ટ ઉછળીને ૪૯,૫૭૨ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે નાસ્ડેક પ્રારંભિક તબક્કાની નરમાઈ બાદ ૬૦ પોઈન્ટ વધીને ૨૪,૭૩૩ પર ટ્રેડ થતો હતો.



