લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest today over minimum wage issue

![]()
આજે આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ
શહેરના પાનવાડી ચોકથી કલેક્ટર કચેરી સુધી સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન રેલી યોજશે
ભાવનગર – તા.૧ મેના રોજ આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ મનાવાય છે. જે નિમિત્તે ટ્રેડ યુનિયન દ્વારા શહીદ વંદના સાથે ગુજરાતમાં લઘુતમ વેતનની માંગણી દિવસ તથા આંગણવાડી તથા આશાવર્કરના થતા શોષણ વિરૃદ્ધ રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુયિન, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તથા ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના સંયુક્ત ઉપક્રમે તારીખ પહેલી મે આંતરરાષ્ટ્રીય શ્રમ જેવી દિવસ નિમિત્તે તેમજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે, લઘુતમ વેતન, લઘુતમ પેન્શન, કોન્ટ્રાક્ટ ફિક્સ પગારદારોને કાયમી કરો સહિતની માંગણી માટે માંગણી દિવસ તથા આંગણવાડી આશા વર્કરો ઉપર કરાતા જુલ્મનો વિરોધ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તે મુજબ સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા મથકો તથા તાલુકા મથકોએ દેખાવો સૂત્રોચ્ચાર અને આવેદનપત્રના કાર્યક્રમો યોજાશે. ભાવનગરમાં સવારે ૯.૩૦ વાગે પાનવાડી ચોક ખાતે શહીદ વંદના તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે તેમજ ત્યાંથી જશોનાથ ચોક થઇ કલેક્ટર કચેરીએ રેલી યોજાશે અને આવેદન અપાશે.



