પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digital Life Certificate at Home: Gujarat Govt Partners with India Post for Pensioners

![]()
Free Digital Life Certificate at Home: ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી 5 લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા મળી રહેશે. જેમાં પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે.
પેન્શનરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા નિઃશુલ્ક મળશે ‘જીવન પ્રમાણપત્ર’
ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને 1 મે થી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે.
આમ થવાથી ગુજરાતના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને સરળ અને સુવિધાજનક સેવા મળી શકે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષે ગુજરાતમાં 93 હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના 62 હજારથી વધુ પેન્શનધારકોએ ઘરે બેઠા આ સુવિધાનો લાભ મેળવ્યો હતો.
રણવીર સિંહએ જણાવ્યું કે, જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને jeevanpramaan.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે.
આ પણ વાંચો: ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી
અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવા નો લાભ મળશે. તેના માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન સાથે સંપર્ક કરવો રહેશે. સાથે જ, પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલીનો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ ઉપાડી શકે છે, જેના કારણે આ સેવા સંપૂર્ણપણે સુવિધાજનક અને સરળ બને છે.



