નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 સિટી બસ રૂટ મંજૂર, શહેરી બસ સેવા યોજના હેઠળ સરકારનો નિર્ણય | Gujarat Approves 17 New Urban Bus Routes for Navsari Vapi and Palanpur

![]()
Gujarat Expands Bus Services: રાજ્યના નગર અને મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારી અને આધુનિક પરિવહન સેવાઓ પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના’ અંતર્ગત નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 બસ રૂટને મંજૂરી આપવામાં આવી છે.
શહેરવાર નવા મંજૂર થયેલા રૂટની વિગત:
નવસારી શહેર માટે સૌથી વધુ 7 નવા રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. આ રૂટ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે સરળ અને સસ્તી પરિવહન સેવા ઉપલબ્ધ થશે.
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી માટે 4 નવા રૂટની મંજૂરી અપાઈ છે. આનાથી શ્રમિકો અને નોકરિયાત વર્ગને અવરજવર માટે મોટી રાહત મળશે અને ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના વિકાસને ધ્યાને રાખીને ત્યાં 6 નવા રૂટ મંજૂર કરાયા છે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને મળશે.
યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો અને ફાયદા
આયોજનબદ્ધ બસ સેવાને કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને પ્રદૂષણમાં ઘટાડો થતાં પર્યાવરણને ફાયદો થશે. અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચવાથી સામાન્ય નાગરિકોના સમય અને નાણાં બંનેની બચત થશે. નાગરિકોની રોજિંદી મુસાફરીને વધુ સુવિધાયુક્ત અને સમયબદ્ધ બનાવવાનો સરકારનો મુખ્ય લક્ષ્યાંક છે.
રાજ્ય સરકાર નાગરિકોને આધુનિક અને પરવડે તેવી પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ નવા 17 રૂટને લીલી ઝંડી મળતાં જ ત્રણેય શહેરોની જાહેર પરિવહન વ્યવસ્થામાં નવી ગતિ આવશે.



