સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of elderly woman decomposes in Sayaji Hospital post mortem room

![]()
Vadodara Sayaji Hospital : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં બે દિવસ પહેલા એક વૃદ્ધાનો મૃતદેહ કેોલ્ડરૂમમાં મૂક્યો હતો. બે દિવસ બાદ આજે પરિવારજનો મૃતદેહ લેવા આવ્યા ત્યારે વૃદ્ધાની લાશ ડીકમ્પોઝ હાલતમાં જણાતા અમેરિકાથી આવેલા પુત્ર પુત્રવધુ સહિતના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
શહેરના સરદાર ભવન વિસ્તારમાં રહેતા 70 વર્ષના રંજનબેન હેતકુમાર વ્યાસની તા.27ના રોજ તબિયત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. તેમનો પુત્ર અને પુત્રવધુ અમેરિકા રહેતા હોવાથી બંનેના વડોદરા પરત આવ્યા પછી માતાની અંતિમ ક્રિયા કરવાનું નક્કી કર્યું હતું અને પરિવારજનોએ રંજનબેનના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કેોલ્ડરૂમમાં મૂક્યો હતો.
અમેરિકાથી પુત્ર, પુત્રવધુ પરત આવ્યા બાદ આજે સવારે 8:30 વાગે રંજનબેનનો મૃતદેહ લેવા માટે પરિવારજનો સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં પહોંચ્યા ત્યારે તેમનો મૃતદેહ જોઈને ચોંકી ગયા હતા. આખી બોડી ડીકમ્પોઝ થઈ ગઈ હતી જેના કારણે પરિવારજનોએ અમોને ન્યાય જોઈએ તેમ બોલીને હોબાળો મચાવ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે એક નંબરના ડ્રોવરના બદલે ત્રણ નંબરના ડ્રોવરમાં મૃતદેહ મૂક્યો હતો જેના કારણે તે બોડી ડીકમ્પોઝ થઈ ગઈ હતી. જે ડ્ડ્રોવરમાં મૃતદેહ મૂક્યો હતો ત્યાં અન્ય કોઈની બોડી જણાઈ હતી. ભારે શોધખોળ બાદ અન્ય ડ્રોવરમાંથી મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે હવે આ મૃતદેહ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે ઘેર પણ લઈ જઈ શકાય તેમ નથી અમારે મૃતદેહ સીધો સ્મશાનમાં લઈ જવો પડશે.



