સુરતમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું : રેકર્ડ બ્રેક બેઠક સાથે સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો | BJP’s roller turns again in Surat : bjp wins 7th consecutive time with record breaking seats

![]()
Surat Corporation Election : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે આવ્યું છે અને સુરતીઓએ સતત સાતમી વાર ભાજપને સમર્થન આપ્યું છે. જેના કારણે સુરતમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે અને
પાલિકામાં રેકર્ડ બ્રેક 115 બેઠક સાથે સતત સાતમી વાર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો છે. સુરત પાલિકાની ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસીઓએ પંજો છોડી ઝાડુ પકડ્યું હતું. જેથી એક સાથે 27 બેઠક આપને આપી હતી. પરંતુ આ સત્તા આપ પચાવી શક્યું ન હતું અને 14 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યાર બાદ સતત આપના સ્થાનિક અને પ્રદેશના નેતાઓએ બેફામ વાણી વિલાસ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવી હતી. જોકે, પક્ષ પલ્ટો અને વાણી વિલાસ સુરતીઓને પચ્યો ન હોવાથી ભાજપ પર પસંદગી ઉતારી ફરી એક વાર પાલિકાના 11 હજાર કરોડથી વધુનો વહિવટ ભાજપને સોંપ્યો છે.
સુરત પાલિકાની ચુંટણીમા વિપક્ષ આપના શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ ઉપરાંત નેતાઓના બેફામ વાણી વિલાસ સામે ભાજપનું વિકાસ મોડલ ભારે પડ્યું છે. વિપક્ષ આપ દ્વારા બિન જરૂરી આક્રમકતા અને બેફામ વાણી વિલાસ સુરતના મતદારોને રાસ આવી ન હતી. જેના કારણે ભાજપ સામે અનેક અણગમા હોવા છતાં લોકોએ ભાજપ પર પસંદગી ઉતારી છે. પાટીદાર બહુમતીવાળા વિસ્તાર સિવાય આપ કોઈ જગ્યાએ આક્રમક રીતે લડી રહ્યું ન હતું. પરંતુ આપ દ્વારા સોશિયલ મીડિયા પર માહોલ બનાવ્યો હતો. સોશિયલ મીડિયા જોતા આ ચૂંટણીમાં પરિવર્તન થશે અને આપની સત્તા આવશે તેવો દાવો થઈ રહ્યો હતો. પરંતુ પાલિકાના પુર્વ વિપક્ષી નેતા-ઉપ નેતા સહિતના તમામ હારી ગયા હતા અને એક માત્ર સમ ખાવા પુરતી વોર્ડ નંબર 17માં શહેર પ્રમુખ લડી રહ્યાં હતા તે પેનલ જ જીતી શકી છે.
એટલું જ નહી પરંતુ આપ નેતાની રેલી અને જાહેર સભામાં પણ મોટી મેદની જોવા મળતી હતી. પરંતુ આ મેદનીને આપ મતમાં પરિવર્તન કરી શકી ન હતી. જ્યારે ભાજપની રેલી અને સભામાં પાંખી હાજરી જોવા મળી હતી. ભાજપના જ કાર્યકરોએ ભાજપના ભેદી બની કામગીરી કરી હતી તેમ છતાં આપનો એપ્રોચ સુરતની પ્રજાને પસંદ આવ્યો ન હતો અને તેઓએ પોતાની પસંદગી ઝાડુને બદલે કમળ પર ઉતારી હતી. જેથી પહેલા ઝાડુ અને પછી લાડુની વાત ખોટી પડી અને પહેલા કમળ અને પછી ખમણનું સુત્ર સુરતીઓએ સાર્થક કરી દીધું હતું. જેના કારણે સતત સાતમી વાર સુરતમાં ભાજપની સત્તા આવી છે.
પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને ઓફિસ ગાડી નહી મળે
સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપને ફાળે 115 આપ ને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં.



