બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashing bike

![]()
અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થઈ : યુવકને ગંભીર ઇજા થતાં રોષે ભરાયેલા લોકોએ પથ્થરો મારી અન્ય ત્રણ ડમ્પરના પણ કાચ તોડી નાખ્યા
શાપુર, : વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રેતી ભરેલા ઓવરલોડેડ ડમ્પર બેફામ દોડી રહ્યા છે. આજે કણઝડી નજીક રેતી ભરેલા ડમ્પરના ચાલકે બાઈક ચાલક યુવાનને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ડમ્પરને આગ લગાવી દીધી હતી. બાદમાં ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય ત્રણ ડમ્પરમાં પથ્થરો મારી કાચ ફોડી નાખ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આજે કણઝડીના પિયુષભાઇ દેવાયતભાઈ મૈતર (ઉ.વ. 27) ઘરેથી બાઈક લઈ વાડીએ જતો હતો. ત્યારે મધુવંતીના પુલ પાસે રેતી ભરેલા ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા પિયુષભાઇ ફંગોળાઈ ગયા હતા,અને તેને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે જાણ થતા ગ્રામજનો એકત્ર થયા હતા, અને ડમ્પરને આગ લગાવી દીધી હતી. આ સમયે ત્યાંથી પસાર થયેલા અન્ય ત્રણ ડમ્પરમાં પણ પથ્થર મારી કાચ ફોડી નાખ્યા હતા. આ અંગે જાણ થતા વંથલી પીઆઈ બી.જી. ચેતરીયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઈ મામલો થાળે પાડયો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમે પણ ત્યાં જઈ ડમ્પર કબ્જે કરી તેના ચાલક સામે કાર્યવાહી કરી હતી. ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર બેફામ ઝડપે દોડી રહ્યા છે. ઓવરલોડેડ વાહનોથી રસ્તા બિસ્માર બની ગયા છે, આ રસ્તા પર શાળા આવેલી છે જ્યાં નાના બાળકોની અવર-જવર રહે છે જેથી અકસ્માતની ભીતિ સર્જાઈ છે. અનેકવાર રજુઆત કરવા છતાં તંત્રની મીલીભગત હોય તેમ કોઈ પગલા લેવામાં આવતા નથી. હવે આ બાબતે કાર્યવાહી નહી થાય તો લોકોએ રસ્તા પર બેસે વિરોધ કરવાની ચિમકી આપી હતી.



