પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સેરવી લીધા | thug caught who chated passanger in rickshaw

![]()
વડોદરાઃ દીકરીના લગ્ન માટે અલકાપુરીની સ્ટેટ બેન્કમાંથી રૃપિયા લઇને બહાર નીકળેલા એક નિવૃત્ત કર્મચારીને પેટલાદના નામચીન ઠગ શાહરુખે રિક્ષામાં બેસાડી રૃ.૫૦ હજાર સેરવી લેતાં પોલીસે ગણતરીના કલાકોમાં ઠગને ઝડપી પાડયો છે.
છાણી-સોખડા રોડ પર નારાયણનગરમાં રહેતા આરપીએફના નિવૃત્ત કર્મચારી પ્રફુલ્લ સિંગે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૧મીએ સવારે હું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અલકાપુરી બ્રાન્ચમાં ગયો હતો અનેરૃ.૧.૫૦ લાખ ઉપાડી ચાલતો સ્ટેશન તરફ જતો હતો.
આ વખતે એક રિક્ષાવાળો આવ્યો હતો અને હું નવો છું,સ્ટેશન જવાનો રસ્તો કયો છે તેમ પૂછતાં તેને રસ્તો બતાવ્યો હતો.ઠગે તમારે ક્યાં જવું છે તેમ પૂછતાં મેં સ્ટેશન જવાનું કહ્યું હતું.જેથી તેણે મને રિક્ષામાં તેની સાથે બેસાડી ભાડું નહિ લઉં..તેમ કહ્યું હતું.ત્યારપછી સ્ટેશન નજીક મને ઉતારી તે રવાના થઇ ગયો હતો.
પ્રફુલ્લસિંગે કહ્યું છે કે મારા ખિસ્સામાંથી રૃ.૫૦૦ના ત્રણ બંડલ માંથી બે જ બંડલ રહેતાં શંકા ગઇ હતી.જેથી સયાજીગંજના પીઆઇ સ્વપ્નિલ પંડયાને જાણ કરતાં તેમણે ગુનો નોંધ્યો હતો.પોલીસે રિક્ષા નંબર અને ફૂટેજને આધારે પેટલાદના નામચીન શાહરુખ મીયા ઉર્ફે એમડી ઉર્ફે શાહરુખલાલા આબાદમીયા મલેક(દરિયાપુર,દેવીકુવા ફળિયું,પેટલાદ)ને ઝડપી પાડયો છે.ઠગ સામે કુલ ૧૫ ગુના નોંધાયેલા છે.



