આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life in prison for killing wife and daughter by poisoning ice cream

![]()
વડોદરા : પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાની અદાવત રાખીને પત્ની અને ૬ વર્ષની
માસુમ દિકરીને ઝેર આપ્યા બાદ ગળુ દબાવીને ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા
પતિને કસુરવાર ઠેરવી અદાલતે આજીવન કેદની સજા તેમજ રૃા.૨૫,૦૦૦નો
દંડ અને આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો
હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પત્ની અને
પુત્રીની સુરક્ષા કરવાની જવાબદારી જેની હતી તેણે જ ક્રૂરતા પૂર્વક હત્યા કરી છે.
કેસની વિગત એવી છે કે, સમા વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં ૧૧
ઓક્ટોબર ૨૦૨૧ના રોજ એક કમકમાટીભરી ઘટના બની હતી. આરોપી તેજશકુમાર અંતરસિંહ પટેલે
તેની પત્ની શોભનાબેન અને ૬ વર્ષની પુત્રી કાવ્યાને ઉંદર મારવાની ઝેરી દવા નાંખેલો
આઇસ્ક્રીમનો કોન ખવડાવ્યો હતો અને ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી નાંખતા સમા પોલીસ
સ્ટેશનમાં આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આરોપીને શંકા હતી કે તેની
પત્નીને તેના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ છે, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.
બનાવ બન્યો તે રાત્રે કાવ્યા ગરબા રમીને પરત આવી ત્યારે આરોપી
તેને ઉપરના માળે લઈ ગયો હતો. રાત્રે બે વાગ્યાના સુમારે આરોપીએ પોતે જ નીચે આવીને
સાસરી પક્ષના લોકોને જાણ કરી હતી કે પત્ની અને પુત્રી જાગતા નથી. હોસ્પિટલ લઈ જતાં
બંનેને મૃત જાહેર કરાયા હતા. તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ ગુનો કરતા પહેલા ગૂગલ
પર માણસને કેવી રીતે મારવો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેવી રીતે બચવું તેવું સર્ચ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી
ઉંદર મારવાની દવાના રેપર અને આઈસ્ક્રીમના કોન કબજે કર્યા હતા.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ ભાવીક
પુરોહીત હાજર રહ્યાં હતા. કેસમાં ફરિયાદ
પક્ષે ૨૪ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૭૯ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
એફ.એસ.એલ. રિપોર્ટમાં મૃતકના શરીરમાંથી બ્રોમાડાયલોન નામનું ઝેર મળી આવ્યું
હતું.ન્યાયાધીશ એમ. એ. ટેલરે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાનેધ્યાને લઇ આરોપી
તેજસકુમારને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.
આરોપીએ ડિલીટ કરેલા ડેટા મહત્વના પુરાવા બન્યા
આ કેસમાં સૌથી મહત્વની બાબત આરોપીની ગૂગલ સર્ચ હિસ્ટ્રી રહી
હતી. સામાન્ય રીતે આરોપીઓ પુરાવાનો નાશ કરવાનો
પ્રયત્ન કરતા હોય છે, પરંતુ
સાયબર સેલની મદદથી પોલીસે આરોપીના મોબાઈલમાંથી ડિલીટ કરેલા ડેટા અને સર્ચ હિસ્ટ્રી
મેળવી હતી. જેમાં આરોપીએ માણસને ઝેર કેવી રીતે આપવું અને ગળું દબાવીને હત્યા
કરવાના નિશાન કેવી રીતે છુપાવવા તે અંગે વિગતવાર માહિતી મેળવી હોવાનું સાબિત થયું
હતું. આ વૈજ્ઞાાનિક પુરાવો જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે નિર્ણાયક સાબિત
થયો હતો.
ન્યાયાધીશનું ભાવુક અવલોકન : પિતા,પુત્રી
અને દિકરીના સબંધ ઘરને મંદિર બનાવે છે
ન્યાયાધીશે આરોપીએને આજીવન કેદની સજા ફટકારતા ચૂકાદમાં ખુબ જ
ભાવુક નોંધ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, પિતા, પત્ની અને પુત્રી એ
પરિવારના સૌથી અનમોલ સંબંધો છે, જે પ્રેમ, સમર્પણ અને વિશ્વાસથી બંધાયેલા છે. પિતા કુટુંબનો મજબૂત આધારસ્તંભ છે,
જે સંઘર્ષ કરીને પણ દીકરીને દુનિયાનીશ્રેષ્ઠ ખુશીઓ આપનાર વ્યક્તિત્વ
છે. પત્ની પ્રેમ અને સમજણથી ઘરને સ્વર્ગ બનાવે છે, જ્યારે
દીકરી પરિવારની ખુશી અને આનંદનો સ્ત્રોત છે.
પિતા-પુત્રીનો સંબંધ પવિત્ર છે અને પત્નીનો સાથ જીવનભરની હૂંફ
આપે છે. પિતાનો હાથ જ્યારે પુત્રીના માથા પર હોય, ત્યારે તે દુનિયાની સૌથી
સુરક્ષિત વ્યક્તિ બને છે. દીકરી પિતાની આંખોમાં વસે છે અને પિતા દીકરીના હૃદયમાં
વસે છે. આ ત્રણેયના સંબંધોથી ઘર એક પવિત્ર મંદિર જેવું બની રહે છે. પરંતુ, જ્યારે આવા પિતા જ પત્ની અને પુત્રી માટે મૃત્યુનું કારણ બની રહે, ત્યારે હાલના કેસ જેવા સંજોગોનું નિર્માણ થાય છે.



