અમદાવાદ: ‘ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે’, ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ | Ahmedabad Teen Missing After Exam Stress Note Raises Serious Concerns

![]()
Missing Student In Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ભણતરના દબાણ અને ઓછા માર્ક્સના ડરથી કંટાળીને 13 વર્ષીય એક વિદ્યાર્થિનીએ ઘર છોડી દીધું છે. જતી વખતે તેણે લખેલી કરુણ ચિઠ્ઠીમાં માતા-પિતા અને ભાઈ પ્રત્યેનો આક્રોશ તેમજ આપઘાતના વિચારોનો ઉલ્લેખ કરતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.
‘મને મરવાથી ડર લાગે છે એટલે ઘર છોડું છું’
ખાનગી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ ઘર છોડતા પહેલા એક ચિઠ્ઠી લખી છે, જેમાં પોતાની માનસિક પીડા ઠાલવી છે. તેણે લખ્યું છે કે, ‘મારા માર્ક્સ સારા નથી અને આગળ પણ નહીં આવે. મને દરરોજ આપઘાતના વિચારો આવે છે, જેનું મુખ્ય કારણ પપ્પા, મમ્મી અને ભાઈ છે. મને મરવાથી ડર લાગે છે એટલે હું ઘર છોડીને જઈ રહી છું. જો મને કોઈપણ સંજોગોમાં પરત લાવવામાં આવશે, તો માત્ર મારો મૃતદેહ જ પાછો આવશે.’
પરિવાર ટ્યુશનના કામથી બહાર ગયો અને દીકરી નીકળી ગઈ
બનાવની વિગત મુજબ, ચાંદખેડામાં રહેતા અને વેપાર કરતા પિતા ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ તેમના ધોરણ 11માં ભણતા પુત્રના ટ્યુશન ક્લાસમાં એડમિશન માટે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન ઘરમાં હાજર પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે દીકરી ઘરમાં ક્યાંય દેખાતી નથી અને તેના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. પિતા ઘરે પહોંચ્યા ત્યારે ચિઠ્ઠી વાંચીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી
પરિવારજનોએ દીકરીની શોધખોળ સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની સંવેદનશીલતાને જોતા પોલીસે તાત્કાલિક અપહરણનો ગુનો દાખલ કર્યો છે.
ચાંદખેડા પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીને વહેલી તકે શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સોસાયટી અને આસપાસના રસ્તાઓના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી તે કઈ દિશામાં ગઈ છે તેની માહિતી મળી શકે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ અને શિક્ષણ જગત સામે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભણતરના બોજ અંગે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.


