પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર! | donald trump iran meeting islamabad talks nuclear threat

![]()
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે.
ટ્રમ્પની સ્પેશિયલ ટીમ રવાના
ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, રાજદ્વારી સંવાદ આગળ વધશે અને કહ્યું, જો તેઓ મળવા માંગતા હોય, તો મને તેમની સાથે બેઠક કરવામાં કોઈ વાંધો નથી.
પરમાણુ હથિયાર ટ્રમ્પની નો નેગોશિયેબલ શરત
વાટાઘાટોના કેન્દ્રમાં અમેરિકાની એક જ મુખ્ય માંગ છે – ઈરાન પરમાણુ હથિયારોનો ત્યાગ કરે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પરમાણુ હથિયારોથી છુટકારો મેળવો, તે ખૂબ જ સરળ છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય. તેમણે ઉમેર્યું કે, જો ઈરાન આ માની લેશે તો તે એક સમૃદ્ધ દેશ બની શકે છે, અન્યથા પરિણામ સુંદર નહીં હોય.
બોમ્બ ફૂટવાનું શરૂ થઈ જશે
ટ્રમ્પે સ્વીકાર્યું કે, યુદ્ધવિરામ લંબાવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો સમયમર્યાદા પહેલા કોઈ સમજૂતી નહીં થાય તો ફરીથી બોમ્બમારો શરૂ થઈ શકે છે. અગાઉ ટ્રમ્પ ઈરાનના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે બ્રિજ અને પાવર પ્લાન્ટ્સને નષ્ટ કરવાની ધમકી પણ આપી ચૂક્યા છે.
ઈરાનની સ્પષ્ટતા ધમકીના માહોલમાં વાતચીત નહીં
ઈરાને અમેરિકા પર વધારે પડતી માંગણીઓ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલીબાફે કહ્યું કે, ઈરાન ધમકીઓ વચ્ચે વાટાઘાટો નહીં કરે અને અમે યુદ્ધના મેદાનમાં નવા પત્તા ખોલવા માટે તૈયાર છીએ.
વૈશ્વિક અસરો ક્રૂડના ભાવમાં ભડકો
આ સંઘર્ષની સૌથી મોટી અસર હોર્મુઝની ખાડી અને તેલના ભાવ પર પડી છે. યુદ્ધ શરૂ થયા પહેલા ક્રૂડનો ભાવ $70 પ્રતિ બેરલ હતો, જે હવે $95 ને પાર કરી ગયો છે. રિપોર્ટ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં ૩,૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે. આગામી 24 કલાક વિશ્વના અર્થતંત્ર અને મધ્ય-પૂર્વની શાંતિ માટે નિર્ણાયક છે. શું ઇસ્લામાબાદની વાટાઘાટો કોઈ રસ્તો કાઢશે કે પછી વિશ્વ વધુ એક ભીષણ યુદ્ધ તરફ ધકેલાશે?



