गुजरात

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજારની લૂંટ | Robbery in Ahmedabad Guest House: Manager Held Hostage ₹92K Stolen



Robbery in Ahmedabad Guest House: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી વધુ એક ઘટના સામે આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે ચાર શખસોએ ત્રાટકીને મેનેજરને બંધક બનાવી, માર મારીને રોકડ અને ઇલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા અને ખેલ પાડ્યો

મળતી માહિતી અનુસાર, થલતેજ ભાઈકાકાનગર બસ સ્ટેન્ડ સામે આવેલા ‘રાજવંશી ગેસ્ટ હાઉસ’માં ગત 20મી એપ્રિલની વહેલી સવારે લૂંટારુઓ ત્રાટક્યા હતા. ગેસ્ટ હાઉસના મેનેજર ગીરીરાજ મીણા જ્યારે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે બે શખસો રૂમ ભાડે લેવાના બહાને આવ્યા હતા. ગીરીરાજ જેવો તેમને રૂમ બતાવવા ગયો કે તરત જ આરોપીઓએ તેને પકડી લીધો હતો અને “પૈસા ક્યાં છે?” તેમ કહી માર મારવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ

‘અવાજ મત કરના વરના ચપ્પુ માર દેંગે’

આરોપીઓ મેનેજરને ઢસડીને કાઉન્ટર પાસે લાવ્યા હતા, જ્યાં તેમનો ત્રીજો સાથીદાર અગાઉથી હાજર હતો. લૂંટારુઓએ છરી બતાવી ધમકી આપતા કહ્યું હતું કે, ‘અવાજ મત કરના વરના ચપ્પુ માર દેંગે.’ આ દરમિયાન ચોથો શખસ કોમ્પ્લેક્સની સીડીઓ પાસે ઊભો રહીને રેકી કરી રહ્યો હતો. લૂંટારુઓએ કાઉન્ટર અને લોકર તોડીને 72,000 રૂપિયા રોકડા તેમજ કોમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલ ફોન મળી કુલ 92,000 રૂપિયાની લૂંટ કરી હતી.

સીસીટીવીમાં કેદ થયા લૂંટારુઓ

લૂંટની આ સમગ્ર વારદાત ગેસ્ટ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. લૂંટ ચલાવ્યા બાદ ચારેય શખસો પોતાની કાર લઈને થલતેજ ગામ તરફ ભાગી છૂટ્યા હતા. ગેસ્ટ હાઉસના માલિક મુલસિંગ પુરોહીતે આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું પગેરું દબાવ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાએ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે.  

ઉલ્લેખનીય છે કે, આ ઘટના પરથી સ્પષ્ટ એવું કહી શકાય છે કે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી થયા બાદ અસામાજિક તત્ત્વો ફરી સક્રિય થયા છે અને બેફામ લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ સાથે જ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવતી નાઈટ પેટ્રોલિંગના દાવાની પોલ ખુલી ગઈ છે.



Source link

Related Articles

Back to top button