ગાંધીનગરમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીનો આપઘાત, સેક્ટર-15ની હોસ્ટેલમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું | Amreli Student Commits Self Destruction in Gandhinagar

![]()
Gandhinagar News: ગાંધીનગરમાં અભ્યાસ કરતા વધુ એક વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી હોસ્ટેલમાં રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
મૃતક વિદ્યાર્થીની ઓળખ રાજન નરેશભાઈ ધાંધલ તરીકે થઈ છે, જે મૂળ અમરેલી જિલ્લાના કુંકાવાવનો રહેવાસી હતો. રાજન ગાંધીનગરમાં રહીને એન્જિનિયરિંગના અંતિમ વર્ષોમાં અભ્યાસ કરી રહ્યો હતો. ગત રોજ હોસ્ટેલના રૂમમાં તેણે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે તેના સાથી મિત્રો રૂમ પર પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મિત્રોએ તાત્કાલિક તેને નીચે ઉતારી સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
આપઘાતની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.


