સુરતમાં નકલી ટોલનાકું! નેશનલ હાઈવેને બાયપાસ કરતાં રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ | Fake Toll Booth Busted in Surat: Illegal Collection on NH 48 Bypass Road

![]()
Fake Toll Plaza Surat: ગુજરાતમાં નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી સરકારી અધિકારીઓના કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. સુરત જિલ્લાના કામરેજમાં વધુ એક આવું જ ‘ડુપ્લીકેટ ટોલનાકું’ ઝડપાયું છે. નેશનલ હાઈવે નંબર 48 ના ટોલ ટેક્સથી બચવા માટે આંતરિક રસ્તાનો ઉપયોગ કરતા વાહનચાલકો પાસેથી અહીં ગેરકાયદે રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હતા.
ચોર્યાસી ગામની સીમમાં ખેલાયો ખેલ
કામરેજના ચોર્યાસી ગામની સીમમાં નેશનલ હાઈવેને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડતા પંચાયતના રસ્તા પર આ ટોલનાકું ઊભું કરવામાં આવ્યું હતું. હકીકતમાં, હાઈવે પરના મુખ્ય ટોલનાકાને બાયપાસ કરવા માટે ઘણા વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક શખસોએ ત્યાં નાકું નાખી દીધું અને પસાર થતા નાના-મોટા વાહનો પાસેથી રસીદ ફાડી ઉઘાડી લૂંટ શરૂ કરી હતી.
વીડિયો વાઈરલ થતા તંત્ર સફાળું જાગ્યું
જ્યારે જાગૃત નાગરિકોએ ટોલનાકું ચલાવનારાઓને મંજૂરી બાબતે પૂછપરછ કરી, ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આ સમગ્ર ગેરરીતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ કામરેજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આ ગેરકાયદે ટોલનાકું ત્યાંથી હટાવી દીધું છે અને ઉઘરાવવામાં આવતી રસીદો કબજે કરી છે.
પંચાયતના ઠરાવના નામે ગેરકાયદે વસૂલાત?
આ મામલે કામરેજના પી.આઈ. રામ ગોજીયાએ જણાવ્યું કે, “પૂછપરછ દરમિયાન સંચાલકોએ ગ્રામ પંચાયતનો ઠરાવ હોવાનો દાવો કર્યો છે. જોકે, પંચાયત આ રીતે રસ્તા પર ટોલ નાખીને નાણાં ઉઘરાવી શકે કે કેમ, તે અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) પાસે તપાસ કરાવવામાં આવી રહી છે.”
તંત્ર સામે ઉઠ્યા સવાલો
આટલા મોટા પાયે જાહેરમાં ગેરકાયદે વસૂલાત થતી હોવા છતાં સ્થાનિક પોલીસ કે વહીવટી તંત્રને આ બાબતની જાણ કેમ ન થઈ? તે એક મોટો પ્રશ્ન છે. હાલમાં ટોલનાકું હટાવી દેવાયું છે, પરંતુ સંચાલકો સામે હજુ સુધી કોઈ કડક કાયદેસરની કાર્યવાહી કે ગુનો નોંધવામાં આવ્યો નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


