ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% voters want ‘graduate experts’ not just leaders

![]()
મહત્તમ યુવાનો ટેક-સેવી નેતૃત્વના પક્ષમાં:મનોવૈજ્ઞાનિક સર્વે : 56 % મતદારો ટિકિટ વિતરણમાં જ્ઞાતિવાદ અને પક્ષીય વફાદારીની પદ્ધતિથી અસંતુષ્ટ : શૈક્ષણિક લાયકાતને મહત્વ આપવાનો યુવા-મત ૬૪ % શહેરી લોકો માટે ટ્રાફિક, પાર્કિંગ, રખડતા પશુઓ અને શ્વાનો માથાનો દુઃખાવો, સ્થાનિક રોજગાર અને સ્ટાર્ટ-અપની અપેક્ષા
રાજકોટ, : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મતદારોનાં મનમાં પરિવર્તનની એક સુષુપ્ત લહેર જોવા મળી રહી છે. પરંપરાગત રીતે ચૂંટણીઓ જ્ઞાાતિવાદ અને પક્ષીય વફાદારી પર લડાતી રહી છે, પરંતુ હાલમાં એક મનોવૈજ્ઞાાનિક સર્વેમાં જણાયું કે ખાસ કરીને યુવા પેઢી હવે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી કે ચૂંટાયેલા નેતાઓની કાબેલિયતમાં ભાવનાત્મક મુદ્દાઓ કરતાં શૈક્ષણિક લાયકાત અને ટેકનોલોજિકલ સક્ષમતાને વધુ મહત્વ આપી રહી છે. કદાચ એટલે જ આ વખતે ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ ટિકિટ ફાળવતી વખતે સોશ્યલ મીડિયામાં વધુ ફોલોઅર્સ ધરાવતા દાવેદારોને અગ્રતા આપી હતી.
રાજ્યના 78 % મતદારો મક્કમપણે માને છે કે જો સરકારી તંત્ર ચલાવતા અધિકારી કે કર્મચારીઓ માટે શૈક્ષણિક લાયકાતની ડિગ્રી જરૂરી હોય, તો તેમને આદેશ આપતા નેતા માટે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ અનિવાર્ય હોવો જ જોઈએ. જનતા હવે એવા નેતા ઈચ્છે છે જે વહીવટી અને કાનૂની પ્રક્રિયા તથા ડિજિટલ ફાઈલોને જાતે સમજી શકે. જો કે, રાજકીય પક્ષો હજુ પણ જીતી શકે તેવા ઉમેદવાર તરીકે જ્ઞાતિના જોરે ટિકિટ આપે છે, પરંતુ 56 % લોકો આ પદ્ધતિથી અસંતુષ્ટ છે. લોકો ઈચ્છે છે કે પ્રોફેશનલ્સ અને બુદ્ધિજીવીઓ આગળ આવે. વળી, પીઢ મતદારો માનેછે કે, ડિગ્રી કરતા જનસેવાની ભાવના વધુ મહત્વની છે, સાથે ટેકનોલોજીના સમયમાં શિક્ષણ પણ અનિવાર્ય છે. જો કે, વિકલ્પના અભાવે ઘણાખરાં લોકો ઉમેદવારને જોયા વગર પક્ષનાં પ્રતીકને મત આપે છે.
શહેરી ક્ષેત્રમાં 45% મતદારોનો અનુભવ એવો છે કે સ્થાનિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાને બદલે નેતાઓ હંગામી પેચવર્કમાં માને છે. ખાસ કરીને 64 % લોકો માટે ટ્રાફિક, પાર્કિંગ, સ્ટ્રીટલાઈટ, રખડતા પશુઓ અને શ્વાનો સૌથી મોટો માથાના દુઃખાવા સમાન પ્રશ્ન છે. હવે યુવા મતદાર અત્યંત અપેક્ષાવાદી છે. 72% લોકો ઈચ્છે છે કે સ્થાનિક પાલિકા સ્તરે જ સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન સેન્ટર્સ બને. જો કે, ટેકનોલોજીના મામલે નેતાઓ અને જનતા વચ્ચે મોટો તફાવત છે. 75% યુવાનો માને છે કે તેમના નેતાઓ આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કે સ્માર્ટ ગવર્નન્સની ભાષા સમજતા નથી. તેઓ માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા પૂરતા ડિજિટલ છે, જે યુવા પેઢી સાથેના તાલમેલમાં મોટી અડચણ છે.



