गुजरात

જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ વિદ્યાર્થી પરિષદે કર્યુ વિરોધ પ્રદર્શન | Student council protests over flaws in GCAS admission process



વખતોવખત રજૂઆત કરવા છતા ક્ષતિઓ દુર નહી થતાં

પોલીસની દરમિયાનગીરી બાદ ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું ઃ પ્રદર્શનકારીઓને ડિટેઇન કરાયા

ભાવનગર –  જીકાસની પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા આજે શહેરના વાઘાવાડી રોડ પર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઇ રોષ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને એક તબક્કે રસ્તા પર બેસી ગયા હતા. જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની દરમિયાનગીરી કરતા ઝપાઝપી અને શાબ્દીક બોલાચાલી થવા પામી હતી. પોલીસે કાર્યકર્તાને ડીટેઇન કર્યા હતા અને થોડી ક્ષણો માટે વાતાવરણ તંગ બન્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર જીસીએએસ મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સરકાર સામે તીખો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ એકસ્વરે જીસીએએસ કાયદો તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી હતી અને આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ પર વધતા બોજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર નારેબાજી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ફોર્મ ભરતી વખતે લેવામાં આવતી ?૩૦૦ ની ફી અંગે અસંતોષ વ્યક્ત કરાયો હતો. કાર્યકર્તાઓએ આ રકમ અન્યાયપૂર્ણ રીતે વસુલાતી હોવાનો આક્ષેપ કરી સરકારને જવાબદાર ઠેરવી હતી. સાથે લાંબી લચક પ્રવેશ પ્રક્રિયા કરવાથી ખાનગી યુનિ.ને આડકતરી રીતે ફાયદો કરાવવાની તેમજ આ પ્રક્રિયામાંથી ખાનગી યુનિ.ને બાકાત રાખવાની કાર્ય પદ્ધતીનો પણ વિરોધ કરી તંત્રની આ પેરવી ન્યાયના હિતમાં ન હોય તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ચેતવણી આપી હતી કે જો આગામી સમયમાં આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલન શરૃ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના હકો માટે વધુ તેજ અને વ્યાપક લડત આપવામાં આવશે. તેમ જણાવ્યું હતું. જોકે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની દરમિયાનગીરીથી ઉશ્કેરાયેલ કાર્યકર્તા વચ્ચે ઝાપઝપીના અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાતા મામલો તંગ બન્યો હતો. પોલીસે કાર્યકર્તાઓને ડિટેઇન કરી રસ્તો ખુલ્લા કર્યો હતો.



Source link

Related Articles

Back to top button