સિહોરના ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સાથે રૃ.15 લાખની છેતરપિંડી | Transport businessman from Sehore cheated of Rs 15 lakh

![]()
ફેસબુકમાં એડ જોઈને ૧૫ ટન ઓઈલનો ઓર્ડર આપ્યો હતો
નાણાં મોળવ્યા બાદ બે ઈસમોએ ઓઈલ મોકલ્યું નહી, સિહોર પોલીસમાં ગુનો નોંધાયો
સિહોર – સિહોરના ટ્રાન્સપોર્ટના વ્યવસાયીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં એડ જોઈને ૧૫ ટન ઓઈલ (એમએચઓ) ઓર્ડર કર્યું હતું. જેના નાણાં આંગડિયા મારફત મોકલ્યા બાદ બે શખ્સોએ ઓઈલ નહી મોકલી વેપારી સાથે વિશ્વારઘાત છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
સહોરના ખારી ગામના વતની અને હાલ ચિત્રા ખાતે રહેતા મેહુલભાઈ ઓઘડભાઈ ડાંગરે સિહોર પોલીસ મથકમાં પંકજ સિંઘ અને અજય મિશ્રા નામના શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. જેમાં તેમણે આશરે દોઢ માસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ગોગ્રીન ઈન્ડિયા નામના પેજ પર એમએચઓ (ઓઈલ)ની એડ જોઈ હતી. તેમને ઓઈલની જરૃરિયાત હોવાથી જાહેરાતમાં જણાવેલા નંબર પર પંકજ સિંઘ નામના શખ્સ સાથે વાતચીત કરી રૃ.૯૭ પ્રતિકિગ્રાના ભાવ લેખે ૧૫.૯૫૦ ટન ઓઈલ ઓર્ડર આપ્યો હતો અને તેના રૃ.૧૫,૪૭,૧૫૦ આંગડિયા મારફત પંકજ સિંઘ અને અજય મિશ્રા નામના શખ્સને મોકલ્યા હતા. જે બાદ બન્નેએ નાણાં મેળવી ૧૫.૯૫૦ ટન ઓઈલ નહી મોકલી ફોન સ્વિચઓફ કરી દઈ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



