પાદરા લવ જેહાદ લાંચ કેસનો વચેટિયો સાજીદઅલી એક દિવસના રિમાન્ડ પર | Sajid Ali the middleman in the Padra Love Jihad bribery case on one day remand

![]()
વડોદરા : દંપતિ વચ્ચે ઝઘડો થતાં મામલો પાદરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા
બાદ પીઆઇએ તમારી સામે લવ જેહાદનો ગુનો બને છે તેમ જણાવી પતાવટ માટે વચેટીયાને
મળવાનું જણાવ્યા બાદ ગઇકાલે વચેટીયો રૃા.૨ લાખની લાંચ લેતા ઝપાઇ ગયો હતો. આજે આ
શખ્સને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા
ન્યાયાધીશે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હિન્દુ-મુસ્લિમ દંપતિ વચ્ચે કોઇ કારણસર ઝઘડો
થતાં મામલો પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પીઆઇએ તમારા કેસમાં લવ જેહાદનો
ગુનો દાખલ થશે તેમ જણાવી જો પતાવટ કરવી હોય તો ચાણસદના સાજીદઅલી મુબારકઅલી સૈયદને
મળી લેવાનું જણાવ્યું હતું. દંપતિ સાજીદઅલીને મળતા તેણે પતાવટ માટે રૃા.૬ લાખની
માગણી કરી હતી અને રકઝકના અંતે રૃા.૨ બે લાખ આપવાના નક્કી કરવામાં આવ્યાં હતા અને
આ બે લાખની લાંચ લેતા સાજીદઅલી સૈયદ ઝડપાઇ ગયો હતો.
આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતાં
મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી સાજીદઅલી છેલ્લા
એકાદ વર્ષથી પીઆઈ વી.એ. ચારણના સંપર્કમાં હતો. આ સમયગાળા દરમિયાન તેણે અન્ય કેટલા
લોકો પાસેથી લાંચ લેવામાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવી છે તેની તપાસ કરવી અનિવાર્ય
છે.લાંચ પેટે મેળવેલી રૃા. ૨ લાખની રકમ પીઆઈ સિવાય અન્ય કયા અધિકારીઓ કે વ્યક્તિને
વહેંચવાની હતી તે દિશામાં તપાસ કરવાની છે.
આરોપી પૂછપરછ દરમિયાન ઉડાઉ અને અસ્પષ્ટ જવાબો આપી રહ્યો છે, જેથી
સત્ય હકીકત જાણવા માટે તેનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૃરી છે. ફરિયાદી ગરીબ હોવા છતાં પીઆઈ દ્વારા
લવ જેહાદના નામે જે રીતે માનસિક દબાણ ઉભું કરવામાં આવ્યું હતું, તે ગુનામાં આરોપી સાજીદઅલીની સક્રિય સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ
જણાઈ આવે છે. આરોપીએ લાંચના નાણાં ઉઘરાવવા માટે વારંવાર ફોન કરીને ફરિયાદીને હેરાન
કર્યા હતા. ન્યાયાધીશે આરોપી સાજીદઅલીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.



