ગાંધીનગર: નાયબ મામલતદાર અને વચેટિયાને ACBએ દબોચ્યા, પ્રોપર્ટી કાર્ડ માટે માંગી હતી લાખોની લાંચ | Deputy Mamlatdar and Accomplice Caught Accepting 4 Lakh Bribe In Gandhinagar ACB Trap

![]()
Gandhinagar ACB Trap : રાજ્યના પાટનગરમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ પર એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. ગાંધીનગર કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને તેમના વતી લાંચના નાણાં સ્વીકારતા નિવૃત્ત પટાવાળાને રૂ.4.5 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રોપર્ટી કાર્ડ આપવાની અવેજીમાં કુલ 9.5 લાખની માંગણી કરવામાં આવી હતી.
પ્રોપર્ટી કાર્ડ માટે પઠાણી માંગણી
ACBના જણાવ્યા અનુસાર, આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ બિપિનચંદ્ર ખેમચંદભાઈ પરમાર (વર્ગ-3, નાયબ મામલતદાર, જમીન ફાળવણી શાખા, કલેક્ટર કચેરી) અને દિનેશ બુધાલાલ વાળંદ (નિવૃત્ત પટાવાળા) તરીકે થઈ છે. એક જાગૃત નાગરિકે પોતાની રહેણાંક મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે અરજી કરી હતી. આ કામમાં કોઈ વાંધો ન કાઢવા અને અનુકૂળ અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદારના કહેવાથી દિનેશ વાળંદે 9.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
કોર્ટ પરિસર પાસે ગોઠવ્યું છટકું
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 17 એપ્રિલના રોજ ACBએ ગાંધીનગર કોર્ટ પરિસર પાસે છટકું ગોઠવ્યું હતું. આરોપીઓ ફરિયાદીની કારમાં બેસીને લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.4.5 લાખ સ્વીકારી રહ્યા હતા, તે જ સમયે ACBની ટીમે બંનેને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
કલેક્ટર કચેરીમાં ફફડાટ
ગાંધીનગર જેવી મહત્ત્વની કચેરીમાં ક્લાસ-3ના અધિકારી લાંચ લેતા પકડાતા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જમીન સાથે સંકળાયેલી શાખાઓમાં ચાલતા વહીવટો હવે ACBની રડારમાં આવ્યા હોય તેમ જણાય છે.



