રાહતના સમાચાર: ઈરાને કહ્યું- ‘ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં મદદ કરીશું અને ટોલ પણ નહીં લઈએ’ | strait of hormuz crisis iran guaranted safe passage for indian vessels not charging toll

![]()
Strait Of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ફરી એકવાર સાતમા આસમાને પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝ પર નિયંત્રણનો દાવો કર્યો છે. આ જાહેરાતથી ભારતીય જહાજોની મુશ્કેલીઓ વધી ગઈ છે. 11 એપ્રિલ 2026ના રોજ, ભારતીય ધ્વજ ધરાવતું 10મું એલપીજી ટેન્કર ‘જગ વિક્રમ’ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું. આ જહાજ પર 20,400 ટન LPG અને 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ જહાજ 15 એપ્રિલે મુંબઈ પહોંચવાનું છે.
ભારતીય ધ્વજ ધરાવતા 15 જહાજો ફસાયેલા
શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ભાગમાં (ફારસની ખાડી) હજુ પણ ભારતીય ધ્વજ ધરાવતા 15 જહાજો ફસાયેલા છે. જેમાં એક LNG જહાજ, એક ખાલી LPG જહાજ, છ ક્રૂડ ઓઈલ ટેન્કર (પાંચ ભરેલા અને એક ખાલી), ત્રણ કન્ટેનર જહાજ, એક ડ્રેજર અને એક કેમિકલ કાર્ગો જહાજનો સમાવેશ થાય છે. આ જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય નૌસેના સતત પ્રયાસો કરી રહી છે.
ભારતીય જહાજોને હોર્મુઝ પસાર કરવામાં મદદ કરીશું: ઈરાન
ઈરાને જણાવ્યું છે કે તે ભારતના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરશે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ જણાવ્યું કે ઈરાન અને ભારત વચ્ચે આ મુદ્દે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે વર્તમાન તણાવ છતાં ઈરાન ઈચ્છે છે કે ભારતના જહાજો કોઈપણ અવરોધ વગર આ માર્ગ પરથી પસાર થઈ શકે. તેથી ઈરાન, નવી દિલ્હીની મદદ કરવા તૈયાર છે.
ભારત પાસે કોઈ પણ પ્રકારનો ટોલ લેતા નથી
ફતહલીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાને હોર્મુઝથી પસાર થતા ભારતીય ટેન્કરો પાસેથી કોઈ પણ પ્રકારનો ટોલ કે શુલ્ક વસૂલ્યો નથી. ભારત સરકારે પણ ટોલ આપવાના રિપોર્ટનું સતત ખંડન કર્યું છે. તેમણે ભારત સરકાર અને અહીંના લોકોનો આભાર માનતા કહ્યું કે મુશ્કેલ સમયમાં ભારતે પોતાને એક વિશ્વસનીય અને સંવેદનશીલ ભાગીદાર સાબિત કર્યું છે. બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે અને બંનેના હિતો સમાન છે.
હોર્મુઝમાં જહાજોની અવરજવર તાત્કાલિક શરૂ કરવામાં આવે: EU ચીફ
યુરોપિયન યુનિયન (EU)ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ માર્ગ બંધ થવો એ વિશ્વ માટે ખૂબ જ નુકસાનકારક છે. તે અત્યંત જરૂરી છે કે જહાજોની અવરજવર ફરી શરૂ થાય. જ્યાં સુધી લેબેનોનમાં ઈઝરાયલી હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી મિડલ ઈસ્ટમાં સ્થિરતા આવી શકશે નહીં.
ઈઝરાયલે હોર્મુઝની નાકાબંધીનું સમર્થન કર્યું
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેમનો દેશ ઈરાન પર અમેરિકાની દરિયાઈ નાકાબંધીનું સમર્થન કરે છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો આ નિર્ણય સાચો છે અને ઈઝરાયલ આ બાબતમાં અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યું છે. નેતન્યાહૂના દાવા મુજબ ઈરાને પાકિસ્તાનમાં થયેલી શાંતિ વાર્તાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે ટ્રમ્પે આ કડક પગલું ભર્યું છે.
ચીનના સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન
અહેવાલો અનુસાર, ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને કહ્યું, ‘અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારા જહાજો સતત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. અમારી ઈરાન સાથે વેપાર અને ઉર્જા કરાર છે. અમે તેનો આદર કરીશું અને અપેક્ષા રાખીશું કે અન્ય લોકો અમારી બાબતોમાં દખલગીરી ના કરે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ કરે છે, અને તે અમારા માટે ખુલ્લું છે.’
કેવી રીતે હોર્મુઝ પસાર થાય છે ભારતીય જહાજો?
ભારતીય નૌસેનાએ યુદ્ધ શરૂ થતાની સાથે જ વધારાની ટાસ્ક ફોર્સ બનાવી દીધી છે. નૌસેના પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી)ની અંદર નથી જઈ રહી, પરંતુ હોર્મુઝ પસાર કરતા ભારતીય જહાજોને નેવિગેશન અને કોમ્યુનિકેશનમાં મદદ કરી રહી છે. જહાજો હોર્મુઝ પસાર કર્યા પછી, ગલ્ફ ઓફ ઓમાન અને પછી ઉત્તર અરબી સમુદ્રમાં નૌસેનાના જહાજો તેમને સુરક્ષામાં એસ્કોર્ટ કરે છે. વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ સ્ટાફ અને નેવી ચીફ પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
અગાઉ નીકળેલા જહાજો અને નૌસેનાની SOP
આ પહેલા ‘ગ્રીન સંવી’ નામનું LPG જહાજ 46,655 ટન LPG લઈને ગુજરાત પહોંચ્યું છે. ‘ગ્રીન આશા’ 15,400 ટન LPG લઈને મુંબઈ પહોંચ્યું. ‘જગ વસંત’ કંડલા પહોંચ્યું જ્યારે ‘પાઈન ગેસે’ 45,000 ટન LPG ન્યૂ મંગલોર પહોંચાડી. અત્યાર સુધીમાં કુલ 10 ભારતીય જહાજો હોર્મુઝ ઓળંગી ચૂક્યા છે. શરૂઆતમાં 25 જહાજો ફસાયેલા હતા.
ગુરુગ્રામથી સ્થિતિ પર ચાંપતી દેખરેખ
નૌસેનાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નૌસેના સતત દરિયાઈ ટ્રાફિક પર નજર રાખી રહી છે. જહાજોને સુરક્ષિત રસ્તાઓ બતાવીને તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગુરુગ્રામ સ્થિત ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર (IFC-IOR) સમગ્ર વિસ્તારનું 24 કલાક નિરીક્ષણ કરી રહ્યું છે. આ કેન્દ્ર 28 દેશો સાથે જોડાયેલું છે અને દરિયાઈ સુરક્ષાની રીયલ-ટાઇમ માહિતી શેર કરે છે. કેન્દ્રમાં 14 આંતરરાષ્ટ્રીય લાયઝન ઓફિસરો તૈનાત છે.
હોર્મુઝ પાર કરતાં 10ના મોત
આ અઠવાડિયે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ, યુદ્ધની શરૂઆતથી 6 એપ્રિલ સુધી હોર્મુઝ ક્ષેત્રમાં કુલ 30 ઘટનાઓ બની હતી. જેમાં 23 જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં બે મિસાઇલ હુમલા, ત્રણ ડ્રોન હુમલા, 19 અજ્ઞાત પ્રોજેક્ટાઇલ, એક વોટર-બોર્ન IED અને અન્ય ઘટનાઓ સામેલ છે. આ હુમલામાં કુલ 10 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: ઈઝરાયલે નવો દુશ્મન નક્કી કરી લીધો? આ દેશમાં ડરનો માહોલ, ખુદ વિદેશ મંત્રીએ આપી ચેતવણી
અમેરિકા-ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ બંને દેશો દ્વારા હોર્મુઝ પર નિયંત્રણના દાવા કરવામાં આવી રહ્યા છે. ઈરાન પહેલા જ કહી ચૂક્યું છે કે તે હોર્મુઝનું મેનેજમેન્ટ નવા તબક્કામાં લઈ જશે. આ તણાવને કારણે વિશ્વનો સૌથી મહત્વનો ક્રૂડ અને ગેસ રૂટ પ્રભાવિત થઈ રહ્યો છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે દેશમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને LPG અહીંથી જ આવે છે.



