સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accused Dies in Sachin Police Custody After Consuming Acid During Questioning

![]()
Sachin Police Station In Surat: સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલય સાફ કરવાનું એસિડ પી લીધું હતું, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, સુરતની સચિન પોલીસે વાહન ચોરીના એક ગુનામાં તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને પુરાવાના આધારે આ કેસમાં સંડોવાયેલા એક શંકાસ્પદ આરોપીને પોલીસની ટીમ ગોધરાથી પકડીને સુરત લાવી હતી. પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફની કેબિનમાં તેની પૂછપરછ ચાલી રહી હતી.
આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલ રિપોર્ટ આજે આવશે!
પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓને કુદરતી હાજતે જવાનું કહ્યું હતું. આરોપી ડી-સ્ટાફની કેબિનમાં આવેલા શૌચાલયમાં ગયો હતો, જ્યાં તેણે ત્યાં પડેલું શૌચાલય સાફ કરવાનું એસિડ પી લીધું હતું. આરોપીની હાલત લથડતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઝેરી અસર વધુ હોવાને કારણે સારવાર કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના પગલે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનમાં સુરક્ષા અને તકેદારીમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


