ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો VMCની ચૂંટણીના ૧૯ વોર્ડ માટે ૪૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયા | 472 form submit for VMC election

![]()
વડોદરા, તા.11 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લા દિવસે ઉમેદવારોનો રાફડો ફાટયો હ તો. ભાજપ તેમજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો અને અપક્ષોના ઉમેદવારોની રેલીઓ તેમજ ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડતા ચૂંટણીનો માહોલ સર્જાયો હતો. ચૂંટણી અધિકારી કચેરીમાં મોટી સંખ્યામાં આજે ઉમેદવારોની હાજરી જણાતા અફરાતફરી મચી ગઇ હતી. આજે છેલ્લા દિવસે જ ૪૦૮ ફોર્મ ભરાયા હતા જ્યારે કોર્પોરેશનના કુલ ૧૯ વોર્ડ માટે કુલ ૪૧૭ ઉમેદવારોએ ૪૭૨ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું સોમવારે પ્રસિધ્ધ થતાની સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. શરૃઆતના ત્રણ દિવસ એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયું ન હતુ પરંતુ ત્યાર બાદ ફોર્મ ભરવાનું ખાતું ખોલાયું હતું. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારોની જાહેરાત થતા જ ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આજે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. કલેક્ટર કચેરી, જૂની કોઠી કચેરી, ઉત્તર અને પશ્ચિમ મામલતદાર કચેરીઓ ખાતે ચૂંટણી અધિકારીની કચેરીઓમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમટી પડયા હતાં.
છેલ્લા દિવસે જ ફોર્મ ભરવા માટે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉમટી પડતા શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઇ હતી. આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવા સુધીનો સમય હોવાથી આ સમય સાચવવા માટે ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં જણાતા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન છ ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ૪૦૮ ઉમેદવારીપત્રો રજૂ થયા હતા આ સાથે કુલ ૪૧૭ ઉમેદવારોના ૪૭૨ફોર્મ ભરાયા હતાં. આજે ભાજપ, કોંગ્રેસ, બીએસપી, આપ તેમજ અપક્ષમાંથી ઉમેદવારો દ્વારા નોંધાયેલી ઉમેદવારીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ફોર્મની ચકાસણી હાથ ધરાશે તેમજ બુધવાર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.



