અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellion: Outbreak in Jamnagar BJP

![]()
મહાપાલિકા ચૂંટણી માટે 36 સિનિયરને કાપીને 50 નવા ચહેરા ઉતારાયા : પૂર્વ કોર્પોરેટરોના ભાઈ- ભત્રીજા, પુત્ર, પત્નીને તાજ, જૂના જોગીઓને વનવાસ: જિલ્લા પંચાયતમાં તો તમામ 24 સભ્યોની બાદબાકીથી આંચકો
જામનગર, : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ વખતની ચૂંટણીઓમાં શાસક ભાજપ આંતરકલહનો સામનો કરી રહ્યો છે, જેમાં જામનગર શહેર- જિલ્લો પણ બાકાત નથી. એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટરને ધ્યાને રાખીને ભાજપે જામનગર જિલ્લા પંચાયતના ગત ટર્મનાં તમામ 22 સભ્યોને પડતાં મુકતાં અસંતોષ ફેલાયો છે, જ્યારે મહાપાલિકામાં તો પૂર્વ મેયર- ડેપ્યુટી મેયર સહિતનાને બેસાડી રાખીને 50 નવાગંતુકને મેદાનમાં ઉતાર્યા એમાં પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ભાડનારા પક્ષે પોતે જ કેટલાંક આગેવાનોના સગા- સંબંધીઓને ટિકિટ આપી હોવાનો રોષ ફેલાયો છે. આ સ્થિતિમાં 4 ભાજપીએ પક્ષ છોડયો છે.
જામનગર મહાપાલિકા માટે માત્ર 14 પૂર્વ કોર્પોેરેટરોને જ ફરી તક આપવામાં આવી છે, જ્યારે ગત બોડી ના 36 સભ્યોના પત્તા કપાયાં છે. નવા ચહેરાઓને પ્રાધાન્ય આપીને 50 નવા ઉમેદવાર ઊભા રખાતાં આ વખતની ચૂંટણીમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ટિકિટ ન મળતાં અસંતોષનો સૂર પણ વ્યાપ્ત બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. 6 પૂર્વ કોર્પોરેટરોના પરિવારજનોને પણ ભાજપે તક આપીને સાચવી લેવાના પ્રયત્નો કર્યા છે, તો સુરેશ આલારિયાને બ્રેક બાદ ફરીથી ઉમેદવારી આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં વિશેષ ચર્ચા જોવા મળી રહી છે. આ તમામ બાબતોને કેટલાક લોકો અનુભવ અને ઓળખના આધારે લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક દ્વારા પરિવારવાદનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. જ્ઞાાતિવાર સમીકરણ (સામાજિક અને જાતિ આધારિત સંતુલન)ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક વોર્ડમાં મુસ્લિમ સમાજના ઉમેદવારોને સ્થાન આપીને લઘુમતી વિસ્તારોમાં પકડ મજબૂત કરવાની વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
બીજી તરફ, જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તો ભાજપે એક સાથે તમામ 24 બેઠકો પર અગાઉના સભ્યોની ટિકિટો કાપીને તમામ નવા ચહેરાઓને તક આપતાં આશ્ચર્ય ફેલાયું છે. ભાજપે આ વખતે સ્થાનિક સ્તરે બદલાતી પરિસ્થિતિ અને મતદારોના વલણને ગંભીરતાથી લઈને ‘ફ્રેશ ફેસ’ ફોર્મ્યુલા અપનાવી યુવા- સક્રિય કાર્યકરોને આગળ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નિર્ણયથી પક્ષના કેટલાક જૂના કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે, રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપનો આ દાવ જોખમી બનવાની સંભાવના નકારી શકાતી નથી.
મનપામાં નેપોટીઝમ!
* પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાના પત્ની * પૂર્વ કોર્પોેરેટર કિશન માડમના ભત્રીજા મિથિલ માડમ * પૂર્વ મેયર રાજૂભાઈ શેઠના પુત્ર દર્શન * પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારના પિતરાઈ ભાઈ પૂર્વેશ



