ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadership: Jani and Shukla become candidates on stage in Rajkot

![]()
રાજકોટમાં છેલ્લી તારીખના કલાકો પહેલા નામો જાહેર છતાં વિવાદો : વોર્ડ- 7ના ઉમેદવાર તરીકે નેહલ શુક્લને પડતા મુકાતા કાર્યકરોએ રાજીનામા ધર્યા : મોવડીની સૂચના બાદ ફોર્મ ભરવા ટાણે નામ બદલ્યું : વોર્ડ નં. 2, 3, 13, 14, 15, 16, 18માં ઉમેદવાર પસંદગી સામે ઉગ્ર વિરોધ ઉઠયો : ભાજપના કાર્યાલયે ટોળા ધસી ગયા
રાજકોટ, : રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા નોનસેન્સ બની ગઈ હતી અને પ્રદેશ મોવડીઓએ ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખના કલાકો પહેલા જ રાજકોટ મનપાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં 6થી વધુ વોર્ડમાં વ્યાપક વિરોધ ઉઠયો છે. તો લાં…બી વિચારણાના અંતે જે યાદી જાહેર કરીને આ ઉમેદવારોનું આજે બહુમાળી ભવન ચોકમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું તેમાં મંચ પર ઉમેદવાર તરીકે શૈલેષ જાનીને બેસાડયા હતા પરંતુ, ચૂંટણી અધિકારી પાસે ફોર્મ નેહલ શુક્લએ ભર્યું હતું.
વિગત એવી છે કે ગત રાત્રિના જાહેર કરેલી યાદીમાં અને આજે બપોર સુધી રાજકોટના વોર્ડ નં. 7માં ઉમેદવાર તરીકે નેહલ શુક્લનું નામ કટ કરીને તેની જગ્યાએ શૈલેષ જાનીનું નામ સત્તાવાર જાહેર કરાયું હતું. આ સામે એટલો ઉગ્ર વિરોધ સર્જાયો કે ગત રાત્રિના વોર્ડના અસંખ્ય હોદ્દેદારો,કાર્યકરોએ શહેર ભાજપ પ્રમુખ પાસે ધસી જઈને રાજીનામા ધરી દીધા હતા. વાત છેક દિલ્હી સુધી પહોંચી અને આ દરમિયાન આજે બપોરે સંમેલનમાં મંચ ઉપર પણ શૈલેષ જાનીને બેસાડયા હતા. પરંતુ, અંતે ઉપરથી આ ભૂલ સુધારવા આદેશ થતા તાત્કાલિક શુક્લને ફોર્મ ભરવા સૂચના અપાઈ હતી.
અનેક વોર્ડમાં ભાજપમાં અસંતોષ સપાટી પર આવ્યો છે. જેમાં (1) વોર્ડ નં. 13માં નિતીન રામાણીનું પત્તુ કપાતા ભાજપ અહીં હારી જશે તેમ કહીને 200થી વધુ કાર્યકરોએ કમલમમાં ઉગ્ર રજૂઆત કરી (2) વોર્ડ નં. 3માં હેમુ પરમારનું નામ યાદીમાં નહીં આવતા કાર્યકરોએ મોડી રાત્રિના ભાજપ કાર્યાલયે ધસીને રોષ ઠાલવ્યો (3) વોર્ડ નં. 2માં માત્ર ડોક્ટર હોવાના કારણે ટિકીટ આપી દઈને કાર્યકરની અવગણના મુદ્દે રોષ ઠાલવાયો (4) વોર્ડ નં. 14માં મહિલા નેતાને ટિકીટ નહીં મળતા કાર્યકરો કમલમ્ ધસી ગયા હતા (5) વોર્ડ નં. 15માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા મૌલિક સંજયભાઈને ટિકીટ અપાતા આ સમાજમાં પણ ઉગ્ર વિરોધ સોશ્યલ મિડીયામાં પણ વાયરલ થયો હતો (6) વોર્ડ નં. 16માં એક જ ટર્મ ચૂંટણી લડેલા કંચનબેન સિધ્ધપુરાનું પત્તુ કાપી નંખાતા વ્યાપક વિરોધ ઉઠયો હતો. (7) વોર્ડ નં. 18માં દક્ષાબેન વાઘેલાને રીપીટ કરાતા મહિલાઓ કોઠારીયા વિસ્તારમાં એકત્ર થઈ ભાજપ કાર્યાલયે રોષ ઠાલવ્યો હતો. (8) આ ઉપરાંત વોર્ડ નં. 10, 12 સહિત અન્ય વોર્ડમાં પણ ટિકીટ આપવા અને કાપવા મુદ્દે ભારેલા અગ્નિ જેવો અસંતોષ ફેલાયો છે.



