ઊનામાં ગ્રાહકોના નાણાં સેરવી લેનાર અમરેલીના 2 રીઢા ગુનેગાર પકડાયા | 2 habitual criminals from Amreli who stole money from customers in Una arrested

![]()
નકલી ગૂગલ પે એપ્લિકેશન બનાવી છેતરતા હતા : બેંકોના ATM સેન્ટર પાસે ઉભા રહી જાળમાં ફસાવતા : 5 જિલ્લામાં 8થી વધુ ગુના દાખલ
ઊના, : ઊનામાં થોડા સમય પહેલા બે ગ્રાહકના નાણાં સેરવી લેનાર અમરેલીના બે રીઢા ગુનેગારને પોલીસે પકડી પાડી રોકડ, મોબાઈલ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યોે હતો. બેંકોના એટીએમ પાસે ઉભા રહી નકલી ગૂગલ પે એપ્લિકેશન બતાવી લોકોને પોતાની જાળમાં ફસાવી દેતા હતા. બંને શખ્સો સામે પાંચ જિલ્લામાં આઠ વધુ છેતરપીંડીના ગુના દાખલ થયેલા છે.
ઊના શહેરમાં તા. 23/3/2026ના એસબીઆઈના એટીએમ સેન્ટર પાસે બે અજાણ્યા યુવાનોએ ઉભા રહી લોકોને વાતચીતમાં ભોળવી ઇમરજન્સીનું કારણ બતાવી રોકડ રકમ લઈ તેમના મોબાઈલ ફોનમાં ગુગલ પેની નકલી એપ્લિકેશન બતાવી તમારા ખાતામાં રકમ જમા થઈ ગયાનો સ્ક્રીન શોર્ટ બતાવી છેતરવાના કિસ્સામાં એક ભાઈ પાસેથી 15000 અને બીજા ભાઈ પાસેથી ૫૦૦૦ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. છેતરપીંડીનો ભોગ બનેલા વ્યક્તિઓએ પોલીસમાં અરજી આપી હતી. આ બનાવમાં પોલીસ ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી આજે વોચ ગોઠવી અમરેલીના સંદીપ ચંદુભાઈ આલગીયા અને ધુવન ધ્મર ઉર્ફે ધ્વદીપ પ્રફુલભાઈ મહેતાને એક બાઈક, બે મોબાઈલ ફોન અને 20,000ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. બંને શખ્સોની પૂછપરછમાં અમરેલી, સુરત, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં છેતરપીંડી કરી હોવાની કબૂલાત કરી હતી. આ રીઢા ગુનેગારો સામે આઠથી વધુ ગુના દાખલ થયા હોવાનું ઊના પોલીસે જણાવ્યું હતું.



