જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક | Police on alert to maintain law and order ahead of local government elections in Jamnagar

![]()
Jamnagar Police : જામનગર શહેર અને જીલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની લઈને કડક અને ચાંપતા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, જેની અમલવારી જામનગર શહેરના સિટી એ. ડિવિઝન વિસ્તારમાં વધારે જોવા મળી રહી છે.
સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ દ્વારા ગત રાત્રિના “કોમ્બિંગ” નાઈટ યોજાઇ હતી. જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ વી.આર.ગામેતી, પીએસઆઇ એમ.એન.રાઠોડ સહિત સ્ટાફ દ્વારા શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચી ની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તારમાં “કોમ્બિંગ” કરી વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક ફિલ્મ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 12 થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઈને ભાંગ્યા હતા. સિટી-એ ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


