ચૂંટણી પ્રચારમાં જય સરદારના નારા પણ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા | Sardar Patel Statue Neglected at Surat BJP Office Viral Photos Spark Controversy Ahead of Polls

Sardar Patel Statue Neglected at Surat BJP Office: સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે, જેમાં વિકાસના દાવાઓની સાથે સાથે સરદાર પટેલના નામે મતોનું રાજકારણ પણ તેજ બન્યું છે. ભાજપ સહિતના તમામ પક્ષો જ્યારે સરદાર સાહેબના આદર્શો અને વિચારોની વાતો કરી સત્તા સુધી પહોંચવાનો રસ્તો બનાવી રહ્યા છે, ત્યારે સુરતના ઉધના સ્થિત ભાજપના ‘કમલમ’ કાર્યાલયમાંથી આઘાતજનક તસવીરો સામે આવી છે. કાર્યાલયના પાર્કિંગમાં જનરેટર, વાહનો અને કપડાં સુકવવાના સ્ટેન્ડ વચ્ચે લોખંડી પુરુષની પ્રતિમા ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે. પ્રતિમાની આસપાસ પ્લાસ્ટિક અને કચરાના ખડકલાએ ભાજપના નેતાઓની કથની અને કરણી વચ્ચેનો તફાવત છતો કર્યો છે, જેને લઈને અત્યારે કાર્યકરો અને સામાન્ય જનતામાં ભારે ચર્ચા જાગી છે.
કથની અને કરણીમાં તફાવત: આદર્શોની વાતો પણ પ્રતિમાઓની ઉપેક્ષા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષો હવે વિકાસના મુદ્દાથી આગળ વધીને ભાવનાત્મક પ્રતીકોના સહારે મત મેળવવાની કોશિશ કરી રહ્યા છે. પાટીદાર સહિત અન્ય સમાજને રિઝવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સરદાર પટેલના નામે મત માંગવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકીય પક્ષો સરદાર પટેલ, મહાત્મા ગાંધી કે અન્ય કોઈ પણ રાષ્ટ્રપુરુષના નામે મત તો માંગી રહ્યાં છે પરંતુ ભાજપના કાર્યાલયમાં આ મહાનુભવોની પ્રતિમાની સ્થિતિ ચિંતાજનક છે જેના કારણે રાજકીય પક્ષો મહાનુભવોના ઉપયોગ માત્ર મત માટે જ કરતા હોવાની ચર્ચા શરુ થઈ છે.
બિનજરૂરી સામાન જેવી સ્થિતિ
હાલમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમાં સુરત શહેરના ઉધના ખાતેના ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર વલ્લભભાઈ પટેલની બે પ્રતિમા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક પ્રતિમા પ્લાસ્ટિકમાં લપેટીને મુકવામાં આવી છે , જ્યારે બીજી પ્રતિમા પરથી પ્લાસ્ટિકનું આવરણ કાઢી નાંખ્યું છે અને વાહનો પાર્ક થાય છે તેની પાછળ જનરેટર વચ્ચે જાણે કોઈ બિનજરૂરી સામાનની જેમ મુકાઈ છે. આ ઉપરાંત પ્રતિમાની આજુબાજુ ફેલાયેલો કચરો, ચા-પાણીના ખાલી કપ અને બોટલ, કપડા સુકવવા માટેના સ્ટેન્ડ વચ્ચે મૂકી દીધેલી તસ્વીરમાં જોવા મળી રહી છે. જેના કારણે ચૂંટણી પ્રચારમાં જોરશોરમાં જય સરદારના નારા તો લગાવવામાં આવે છે પરંતુ કાર્યાલયમાં મુકાયેલી પ્રતિમા કદાચ નેતાઓ ભુલી ગયા હોય તેવું લાગે છે.
મત મેળવવા માટે જ રાષ્ટ્રપુરુષોનો ઉપયોગ?
ભાજપ સહિત રાજકીય પક્ષો આગામી ચૂંટણી મેળવવા મત મેળવવા માટે પ્રયાસ કરશે. સરદાર સાહેબના મૂલ્યો અને આદર્શની વાતો કરશે અને કાર્યકરો- નેતાઓને પણ શિખામણ આપશે. પરંતુ આ શિખામણ આપવામાં આવે છે તે ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર પટેલની પ્રતિમાની હાલત જોઈ કાર્યકરો પણ વિચારતા થઈ ગયા છે કે લોખંડી પુરુષ પ્રતિમાની આ હાલત છે તો ચૂંટણી પુરી થયા પછી કાર્યકરોની હાલત કેવી હશે.
અહેવાલ પ્રકાશિત કરતા પ્રતિમા હટાવાઈ
માહિતી અનુસાર જ્યારે આ અંગે ગુજરાત સમાચાર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો તો પ્રતિમા હટાવી લેવામાં આવી હતી. તેની પણ તસવીર સામે આવી છે. જે Before અને After ની સ્થિતિ દર્શાવે છે.




