गुजरात

એસપી યુનિવર્સિટીમાં ‘લાફાકાંડ’ મુદ્દે વર્ગખંડના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા હોવાની ચર્ચાઓ | Discussions about classroom CCTV footage being deleted over ‘Laffa incident’



– તપાસ સમિતિ દ્વારા ભીનું સંકેલવાના નાટકનો આક્ષેપ 

– પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો યુનિવર્સિટીના જ કેટલાક કર્મચારીની સંડોવણી ખૂલે તેવી શક્યતા

આણંદ : વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના લાફાકાંડ પ્રકરણમાં પીડિત પ્રાધ્યાપક દ્વારા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે લેખિત ફરિયાદ કર્યા બાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલે હાથ ખંખેરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસને ખો આપવામાં આવી રહી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. સમગ્ર ઘટનામાં મુખ્ય આધારરૂપ પુરાવાનું નિરીક્ષણ કરવાના બદલે તપાસ કમિટીના નામે નાટક રચી ૨૦ દિવસ જેટલો સમય લીધા બાદ હવે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ અરજીનું બહાનું કાઢી બિસ્તરા પોટલા સમેટી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ યુનિવર્સિટી સંકુલમાં ઉઠી છે. 

ગત ૧૮મી માર્ચના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના એક વર્ગખંડમાં લાફાકાંડની ઘટના પ્રકાશમાં આવી હતી. વિભાગના પ્રાધ્યાપક ડૉ. મનીષ સોલંકી શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા હતા, ત્યારે વિભાગના મહિલા વડા ડૉ. પારૂલ પોપટે વર્ર્ગખંડમાં પહોંચી જઈ પરીક્ષા લક્ષી દલીલબાજી કરી વિદ્યાર્થીઓના દેખતા ડૉ. મનીષ સોલંકીને લાફો મારી દીધા હોવાના આક્ષેપ સાથે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશો જાગ્યા હતા અને તપાસ કમિટીની રચના કરી હતી. બાદમાં આક્ષેપો મુજબ, લાફો મારનાર વિભાગીય મહિલા વડાએ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. જોકે આ મુદ્દો ગરમાતા આખરે ડૉ. પારૂલ પોપટને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લગભગ ૧૫ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ તપાસ કમિટી દ્વારા વર્ગખંડ ખાતે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજનું નિરીક્ષણ કરવામાં નહીં આવતા યુનિવર્સિટી પાસેથી પોતાને ન્યાય નહીં મળે તેવી આશંકા સાથે ડૉ. મનીષ સોલંકી દ્વારા ગત તારીખ ત્રીજી એપ્રિલના રોજ વિદ્યાનગર પોલીસ મથકમાં લેખિત અરજી કરવામાં આવી હતી સાથે સાથે ઉચ્ચ શિક્ષણમાં પણ તેઓએ લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.

બીજી તરફ હવે પીડિત પ્રાધ્યાપક દ્વારા પોલીસ મથકના દ્વાર ખખડાવવામાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશોએ આ લાફાકાંડ મામલે હાથ ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને ૨૦ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ અંગે તપાસ કરવામાં આવી કે નહીં તે રહસ્ય અકબંધ રહ્યું છે. જોકે પોલીસ દ્વારા પણ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસણી કરવામાં આવી કે નહીં તે હજી સુધી જાણી શકાયું નથી. બીજી તરફ સમગ્ર ઘટનામાં વર્ર્ગખંડ ખાતે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મુખ્ય આધારરૂપ પુરાવો છે, ત્યારે શરૂઆતથી જ સીસીટીવી કેમેરાના રેકાર્ડિંગ બાબતે શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોક્કસ સંગઠન સાથે જોડાયેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધ્યાપકે મહિલા વડા સાથે જાહેર રજાના દિવસે અંગ્રેજી ડિપાર્ર્ટમેન્ટ ખાતે જઈ ટેકનિશિયનની મદદથી આ સમગ્ર ઘટનાનું સીસીટીવી કેમેરામાં કેદ થયેલું રેકાર્ડિંગ ડિલિટ કરી દીધું હોવાની વાતો શિક્ષણ નગરીમાં વહેતી થઈ છે. કોના ઈશારે આ સિનિયર અધ્યાપકે જાહેર રજાના દિવસે ડિપાર્ર્ટમેન્ટ ખોલાવી પુરાવાનું નાશ કરવાનું કૃત્ય કર્યું ? તે પ્રશ્ન યુનિ સંકુલમાં ચર્યાનો વિષય બન્યો છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો યુનિવર્સિટીના જ કેટલાક ઉચ્ચ ખુરશીમાં બિરાજમાન કર્મીઓની સંડોવણી ઉજાગર થવાની શક્યતા જોવાઈ રહી છે.

એક સિનિયર અધ્યાપક આ પ્રકરણમાં વિશેષ રસ લઈ રહ્યાં હોવાની ચર્ચા

આણંદ પાસેના એક ગ્રામ્ય વિસ્તારની કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા બાદ ચોક્કસ સંગઠનમાં સક્રિય કાર્ર્યકર તરીકે પોતાની છબી ઊભી કરી યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટમાં નિમણૂક મેળવેલા એક સિનિયર અધ્યાપક આ લાફાકાંડ પ્રકરણમાં વિશેષ રસ લઈ રહ્યા હોવાની ચર્ચાઓ શિક્ષણ નગરીમાં ચર્ચાઈ રહી છે.



Source link

Related Articles

Back to top button