અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ | Ahmedabad Crime: Man Held for Wife’s Death in New Ranip Cover Up Bid Fails

![]()
Ahamedabad Crime News: અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ પોતાની પ્રેમિકા સાથે રહેવા માટે પત્નીનો કાંટો કાઢી નાખ્યો છે. અન્ય મહિલા સાથેના આડા સંબંધોમાં અડચણરૂપ બનતી પત્નીએ છૂટાછેડા આપવાની ના પાડતા પતિએ તેણીની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સાબરમતી પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
આરોપીએ બાથરૂમમાં પડી જવાનું નાટક કર્યું
મળતી માહિતી અનુસાર, મૃતક 35 વર્ષીય યુવતીના 65 વર્ષીય પિતા ઈશ્વરભાઈ ઠાકોરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાના દિવસે સાસરિયા પક્ષ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દીકરી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ છે અને તેનું મોત નીપજ્યું છે. જોકે, પિતાએ જ્યારે દીકરીના ગળા પર નખના નિશાન જોયા ત્યારે તેમને શંકા ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મોતનું કારણ ગળું દબાવવાથી થયું હોવાનું ખુલતા સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.
પ્રેમસંબંધ અને આડા સંબંધોનો કલેશ
મૃતક યુવતીએ વર્ષ 2022માં હર્ષ પ્રજાપતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હર્ષ ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. દંપતીને એક વર્ષનો દીકરો પણ છે. જોકે, લગ્નજીવનમાં કલેશ ત્યારે શરૂ થયો જ્યારે હર્ષને તેની નોકરીના સ્થળે અન્ય મહિલા સાથે આડા સંબંધો બંધાયા. હર્ષ સતત પત્ની પાસે છૂટાછેડાની માંગણી કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
ચોથી એપ્રિલ 2026ના રોજ સવારે ફરી એકવાર છૂટાછેડા બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન આવેશમાં આવીને હર્ષે પત્નીને માર મારી, ગળું દબાવીને તેની જીવનલીલા સંકેલી લીધી હતી. હત્યાને અકસ્માત ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચો: જામનગર: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર, આરોપી મંગેતરની ધરપકડ
પોલીસ કાર્યવાહી: આરોપીની ધરપકડ
સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાતમી એપ્રિલના રોજ પોલીસે આરોપી પતિ હર્ષ પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


