નાગાબાવાના વેશમાં લૂંટ ચલાવતી ગેંગનો સાગરીત પકડાયો,વડોદરામાં છ તોલાના દાગીના લૂ્ંટ્યા હતાઃ સૂત્રધાર ફરાર | Gang member arrested for robbery disguised as Nagabawa

![]()
વડોદરાઃ અટલાદરા રોડ પર એક મહિના પહેલાં કારમાં નાગાબાવાના વેશમાં આવી સિનિયર સિટિઝનના દાગીના લૂંટી જનાર ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે દાગીના ઉતારી લેનાર મુખ્ય સૂત્રધાર વનરાજ મદારી હજી ફરાર છે.
પોરબંદરના ૭૧વર્ષીય મુકેશભાઇ થાનકી ગઇ તા.૨૭મીએ તેમના પુત્રને ત્યાં આવ્યા હતા ત્યારે સવારે અટલાદરા-પાદરા રોડ પર નંબર પ્લેટ વગરની કારના ડ્રાઇવરે અહીં મંદિર ક્યાં આવેલું છે તેમ કહી મોબાઇલ ફોન પકડાવી દીધો હતો.મુકેશભાઇ ફોન પર વાત કરતા હતા ત્યારે કારમાં આગળ નાગા બાવાના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ તેમની સોનાની ચેન અને વીંટી કાઢી લીધા હતા.
બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હતી.આ દરમિયાન વાઘોડિયા ચોકડી પાસે નંબર પ્લેટ વગરની કાર જોઇ પોલીસને શંકા જતાં તેમાં બેઠેલા શિવનાથ ઠાકોરનાથ મદારી(ગણેશ પુરા,મદારીનગર,દહેગામ હાલ રહે.નારોલ, અમદાવાદ) પાસે સાડા ચારતોલાની ચેન મળી હતી.
પૂછપરછ દરમિયાન આ ચેન સૂત્રધાર વનરાજ મદારીએ વેચવા આપી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે કાર અને ચેન કબજે લઇ શીવનાથની ધરપકડ કરી હતી.વધુ તપાસ દરમિયાન દાગીના લૂંટવામાં માહેર વોન્ટેડ વનરાજ સામે રાજ્યના જુદાજુદા શહેરોમાં ૨૨ જેટલા ગુના નોંધાયેલા હોવાની વિગતો બહાર આવી હતી.



