વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને મદદ કરવા માટે એઆઈ આધારિત પોર્ટલ બનાવ્યું | students of technology faculty of msu developes ai based portal for farmers

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને તમામ પ્રકારે મદદરુપ થઈ શકે તેવું એઆઈ આધારિત એગ્રી ફોર્જ નામનું પોર્ટલ બનાવ્યું છે.આ પોર્ટલથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન સેલે તેને વધારે વિકસાવવા માટે ૨.૫૦ લાખ રુપિયાની નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.
પોર્ટલ બનાવનારા ચાર વિદ્યાર્થીઓ આર્યન બુહા, નિલ પ્રજાપતિ, કૃશિત પ્રજાપતિ અને સુમિત પટેલ પૈકી આર્યન બુહા કહે છે કે, પોર્ટલ ખેડૂતોની મૂંઝવણનો જવાબ લખીને અને બોલીને ગુજરાતી સહિતની ૧૦ ભાષાઓમાં આપી શકે છે.પાકને કયો રોગ લાગ્યો છે તેની જાણકારી, ભારતના ૨૨ રાજ્યોના દરેક જિલ્લાના માર્કેટ યાર્ડમાં દરેક કૃષિ પેદાશના લાઈવ રેટ, ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રને લગતા દરેક સમાચાર પણ ખેડૂતો તેના પરથી જાણી શકશે.શહેરોમાં ઘરના ટેરેસ ગાર્ડન કે કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડનારા લોકો માટે પણ આ પોર્ટલ ઉપયોગી થશે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, યુનિવર્સિટીની સહાયની જાહેરાત બાદ અમે કલાઉડ સર્વિસ અને સર્વર મેળવવાની કવાયત કરી રહ્યા છે.એ પછી પોર્ટલ પરની તમામ સુવિધાઓ યોગ્ય રીતે કાર્યરત કરશે.તેની સાથે અમે પોર્ટલ પર ખેડૂતો માટે હવામાનની લાઈવ જાણકારી, ક્રોપ કેલેન્ડર જેવી બીજી વિશેષતાઓ પણ ઉપલબ્ધ કરાવવા તથા પોર્ટલની જેમ મોબાઈલ એપ બનાવવા માટે પણ કામ કરી રહ્યા છે.આ પોર્ટલનું પ્રેઝન્ટેશન આગામી દિવસોમાં રાજય સરકારના કૃષિ વિભાગ સમક્ષ કરવા માટે પણ અમારા પ્રયત્નો છે.



