गुजरात

ગાંધીનગર: કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષીય યુવકનો ભોગ લીધો, અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફરાર | gandhinagar koba road accident hit and run 18 year old dead



Gandhinagar News: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા વાહનચાલકોને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરના વ્યસ્ત ગણાતા કોબા રોડ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 18 વર્ષીય નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારી યુવકને એવી જોરદાર ટક્કર મારી કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.

હોટલમાં હેલ્પર તરીકે કરતો હતો કામ

મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય હિમાંશુ અર્જુનભાઈ શર્મા તરીકે થઈ છે. હિમાંશુ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને રોજગારીની શોધમાં ગાંધીનગર આવ્યો હતો. તે હાલ રાંદેસણ વિસ્તારમાં રહેતો હતો અને કુડાસણની એક જાણીતી હોટલમાં કિચન હેલ્પર તરીકે કામ કરી પોતાના પરિવારને મદદરૂપ થતો હતો.

ગાંધીનગર: કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષીય યુવકનો ભોગ લીધો, અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફરાર 2 - image

ટક્કર એટલી ભયાનક હતી કે…

ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘટના ગત મોડી રાત્રે સુકન સ્કાય એપાર્ટમેન્ટ પાસે બની હતી. હિમાંશુ જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કોબા સર્કલથી શહેર તરફ આવતી એક સફેદ રંગની કાર (નંબર GJ-18-BN-6637) ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેને અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે હિમાંશુ હવામાં ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ગભરાઈ ગયો હતો અને પોલીસ પકડથી બચવા માટે પોતાની કાર ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચો : હોર્મુઝમાં ઈરાનની પકડ નબળી? ભારતનું જહાજ નવા રસ્તેથી સુરક્ષિત પસાર, જાણો શું છે મામલો

સારવાર મળે તે પહેલાં જ તોડ્યો દમ

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં હિમાંશુને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે હોસ્પિટલના દરવાજે પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. એક આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી તેના મિત્રો અને પરિચિતોમાં શોકની લાગણી ફરી વળી છે.

પોલીસ કાર્યવાહી શરૂ

ઘટનાની જાણ થતા જ ઇન્ફોસિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર કબજે કરી છે અને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. કોબા હાઇવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને સ્પીડ લિમિટ તેમજ ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.



Source link

Related Articles

Back to top button