ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહીં! | gujarat local body election 2026 bjp candidate selection criteria

![]()
Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીઓની તારીખોના પગલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરેક પક્ષ દ્વારા પોતાની રીતે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સ્વાભાવિક રીતે જ સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોની પસંદગીના ધારાધોરણો વધુ કડક કરાયા છે, જેના કારણે મોટાભાગના ઉમેદવારોના પત્તા તો વગર વાંકે કપાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ
ભાજપ દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરવામાં આવેલી ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા ઉપર આજે મોડેથી પડદો પાડી દેવામાં આવ્યો છે અને હવે ટૂંક સમય કે આવતીકાલે જ સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. ભાજપના જ વર્તુળોના જણાવ્યા મુજબ, પક્ષ દ્વારા આ વખતે આયાતી ઉમેદવારોનો મુદ્દો ઊભો ના થાય તે માટે પૂરતી તકેદારી રાખીને ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી પાર્ટી માટે કામ કરનારા સક્રિય કાર્યકર જ ઉમેદવાર હોય તેવી મુખ્ય શરત રાખવામાં આવી છે.
આ ઉપરાંત ઉમેદવાર 60 વર્ષથી વધુની ઉંમરના ના હોવા જોઈએ. સાંસદ, ધારાસભ્ય કે પદાધિકારીના પરિવારના સભ્ય ના હોવા જોઈએ. સોશિયલ મીડિયામાં સારા એવા ફોલોઅર્સ ધરાવતા હોવા જોઈએ વગેરે મુદ્દાઓના કારણે ઢગલાબંધ ઉમેદવારોની તો મનની મનમાં જ રહી જાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. તેમજ ઉપર કહ્યું તેમ પરિવારના સભ્યોની અને 60ની ઉંમર વટાવી દેનારનું પત્તું તો એમ જ કપાઈ જવા પામ્યું છે.
આ પણ વાંચો: આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત
સેન્સ પ્રક્રિયામાં હાજર રહેલા અન્ય ઉમેદવારોમાં પણ એવી ચર્ચા જોવા મળી હતી કે, આ પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા છે. ઉમેદવારોના નામ અગાઉથી જ નક્કી કરી લેવામાં આવ્યા હશે અને તેઓને પૂર્વ તૈયારીઓ કરવાની સૂચના પણ આપી દેવાઈ હોવાની શક્યતા છે. હવે જ્યારે જે-તે ઉમેદવારને સત્તાવાર મેન્ડેટ મળે, ત્યારે માત્ર પક્ષનો ખેસ પહેરીને પ્રચાર કાર્યમાં જોડાવવાનું જ બાકી રહેશે. સેન્સમાં હાજર રહેલા કાર્યકરો અને દાવેદારો ચૂંટણી દરમિયાન કેવી કામગીરી કરે છે, તેના પર પક્ષની ખાસ નજર રહેશે. ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


