પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in the name of Forex trading in Pune

![]()
ફોન બંધ થયા પછી વૃદ્ધાને ખ્યાલ આવ્યો
રોકાણ પર વધુ વળતર આપવાની લાલચ આપીને વૃદ્ધ પાસેથી પૈસા પડાવ્યા
મુંબઈ – પુણેમાં એક વૃદ્ધ સાથે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાના નામે સાયબર ફ્રોડસ્ટરોએ રુ. ૧.૧ કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વિગત મુજબ, પુણેના કોંધવા વિસ્તારમાં આરોપીઓએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા પર મોટા વળતરનું વચન આપીને વૃદ્ધને લલચાવ્યા હતા. આ બાદ આરોપીઓએ તેમનો વિશ્વાસ મેળવીને તેમને વિવિધ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે સમજાવ્યા હતા.
દરમિયાન ૧૯ ઓકટોબર થી ૨૬ ફેબુ્રઆરી સુધીમાં ફરિયાદીએ આકર્ષક વળતરની લાલચમાં આવી જતાં સમયાંતરે વિવિધ બેંક ખાતાઓમાં કુલ રુ. ૧.૧ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. જો કે, પૈસાનું રોકાણ કર્યા બાદ આરોપીએ ફરિયાદીને કોઈ વળતર કે તેમની મૂળ રકમ પરત કરી ન હતી.
વધુમાં આરોપીઓએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ તમામ ઘટના બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા વૃદ્ધે કોંધવા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને ટેકનિકલ વિશ્લેષણના આધારે તેમની શોધખોળ હાથ ધરી હતી.



