गुजरात

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | Vav Tharad Liquor Crackdown Exposes Safety Lapse Several Injured by Broken Glass



Vav-Tharad Liquor Crackdown Exposes Safety Lapse: વાવ-થરાદના સરહદી વિસ્તારમાં પોલીસ દ્વારા પકડાયેલા કરોડો રૂપિયાના દારૂના જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. સુરક્ષાના સાધનો વિના કામગીરી કરાવતા અનેક જીઆઈડી (GID) જવાનો અને શ્રમિકોને કાચ વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ શ્રમિકોના જીવ જોખમમાં મુકાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓની હાજરીમાં સુરક્ષાના ધજાગરા

મળતી માહિતી અનુસાર, વાવ, થરાદ અને માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરાયેલા વિદેશી અને દેશી દારૂના જથ્થાનો ખોડા સરહદ પાસે નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા થરાદ ડીવાયએસપી (DySP), પ્રાંત અધિકારી તથા ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈ (PI)ની સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી. નિયમ મુજબ આવી જોખમી કામગીરી વખતે હેન્ડ ગ્લવ્સ, ગમબૂટ અને હેલ્મેટ અનિવાર્ય છે, પરંતુ અહીં સ્થિતિ તદ્દન વિપરીત હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો

હાથ-પગમાં કાચ વાગતા જવાનો ઈજાગ્રસ્ત

દારૂની બોટલો પર જ્યારે બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્યારે કાચના ટુકડાઓ ઉડીને ત્યાં કામ કરી રહેલા જવાનો અને મજૂરોને વાગ્યા હતા. કામગીરીમાં રોકાયેલા જવાનો પાસે નહોતા મજબૂત બૂટ કે નહોતા હાથના મોજા. બોટલો ફોડતી વખતે કાચના ટુકડાઓ વાગવાથી કેટલાક જવાનોના હાથ અને પગમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. ભરબપોરે અધિકારીઓની નજર સામે જ ગરીબ શ્રમિકો અને જવાનોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થતા તંત્ર સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.

તંત્ર સામે ઉઠતા વેધક સવાલો

આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે લોકો વહીવટી તંત્રને ઘેરી રહ્યા છે. કરોડોનો દારૂ પકડતી પોલીસ શ્રમિકો માટે 500 રૂપિયાના સુરક્ષા સાધનો કેમ ન લાવી શકી? ઉચ્ચ અધિકારીઓની હાજરી હોવા છતાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કેમ કરવામાં આવ્યું? જો કાચ વાગવાથી કોઈ જવાનને ગંભીર ઈન્ફેક્શન કે ઝેરી અસર થાય તો તેની જવાબદારી કોની? શું તંત્ર માટે માનવ જીવ કરતા માત્ર કાગળ પર દારૂનો નિકાલ કરવો જ વધુ મહત્ત્વનો છે? આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે કે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે.



Source link

Related Articles

Back to top button