વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspiciousness of Lord Mahavir Swami in Viramgam

![]()
જય જિનેન્દ્રના નાદ સાથે શહેર ગુંજી ઉઠયું
શાંતિનાથ જિનાલયથી નીકળેલી શોભાયાત્રામાં ચાંદીનો રથ અને ૧૪ સ્વપ્નોની
ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની
વિરમગામ – વિરમગામ શહેરમાં જૈનોના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ
કલ્યાણકની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્વેતાંબર મૂતપૂજક જૈન સંઘ દ્વારા
મુખ્ય શાંતિનાથ જિનાલયથી સવારે ૯ઃ૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું
હતું.
આ શોભાયાત્રામાં ભગવાનનો કલાત્મક ચાંદીનો રથ, ધર્મ
ધજા અને માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નોની મનમોહક ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
બેન્ડવાજા અને ઢોલ-નગારાના તાલે ‘ત્રિશલા નંદન વીર કી,
જય બોલો મહાવીર કી‘ના નાદ સાથે સમગ્ર
રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા.
શોભાયાત્રા દરમિયાન બાળ-બાલિકાઓ માથે બેડા અને વિવિધ સ્લોગન સાથે જોડાયા
હતા. શોભાયાત્રાના સમાપન બાદ શ્રાવિકા બહેનો દ્વારા ભગવાનને પોખવામાં આવ્યા હતા. આ
પવિત્ર અવસરે અજરામર યુવક મંડળ દ્વારા વી.પી. રોડ પર બે હજારથી વધુ બુંદીના લાડુની
પ્રભાવના કરી શહેરીજનોના મોં મીઠા કરાવાયા હતા. શહેરના તમામ સાત જિનાલયોમાં
પ્રભુજીને વિશેષ અંગરચના અને આંગીના દર્શન યોજાયા હતા, જેમાં
મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.



