નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitral road in Nadiad taluka is deteriorating and causing distress

![]()
– તંત્રની આળસથી વાહનચાલકો ત્રાહિમામ્
– રોડ ઉપર પાણી કાઢતા લોકો સામે કાર્યવાહી કરવા અને બિસ્માર માર્ગનું સત્વરે સમારકામ કરવા માંગ
નડિયાદ : નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મહત્વના માર્ગોે પૈકીના એક પીપળાતાથી મિત્રાલ તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમાં વળી ગોકળપરા વિસ્તારના લોકો હેડ પંપનું પાણી રોડ ઉપર કાઢતા હોય રોડ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નડિયાદ તાલુકાના પીપળાતાથી મિત્રાલ રોડ પરથી કલોલી, થલેડી, રામોલ પંથકના વાહનોની ભારે અવરજવર રહે છે. પરંતુ હાલમાં આ રોડ પર છેલ્લા ઘણા સમયથી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે રાત્રિના સમયે દ્વિચક્રી વાહનચાલકો ખાડામાં પટકાતા હોવાના બનાવો બની રહ્યા છે. ત્યારે તાજેતરમાં નડિયાદ પીજ ભાગોળ વિસ્તારમાં રોડ પર ખાડામાં એક્ટિવા પડતા ચાલકનું રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજા થતા મોત નીપજ્યાના બનાવને લઇ તંત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, ત્યારે પીપળાતા મિત્રાલ રોડનું સમારકામ કરવા વારંવારની રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કાયમી સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે ટૂંક સમયમાં કામ શરૂ થશે તેવા બહાના કાઢીને તંત્ર દ્વારા માત્ર સમય પસાર કરવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. તેમજ પીપળાતા ગોકલપુરા સીમમાં સ્થાનિકો દ્વારા હેન્ડપંપનું પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોવાથી પાકા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને બોરના પાણી રોડ પર થઇને ખેતરોમાં વાળવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર માર્ગ ઉબડ-ખાબડ બનતા દ્વિચક્રી વાહનચાલકો અવારનવાર સ્લિપ ખાઈ રહ્યા છે. જેના કારણે વાહનોમાં નુકસાન થવાની સાથે સાથે અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક વાહનચાલકોની માંગ છે કે, રોડ પર પાણી કાઢતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ બિસ્માર બનેલા આ માર્ગનું સત્વરે સમારકામ કરવા લાગણી વ્યાપી છે.



