નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્ર જાગ્યું | Chhota Udaipur News Naswadi Govt bicycles dust 5 months Impact of report

![]()
Chhota Udaipur News: નસવાડીની એસ.બી. સોલંકી વિદ્યામંદિરના કમ્પાઉન્ડમાં શિક્ષણ વ્યવસ્થાની એક કડવી વાસ્તવિકતા સામે આવી હતી. લાખો રૂપિયાના ખર્ચે જે મકાન વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે ‘લાઈબ્રેરી’ તરીકે બનાવવામાં આવ્યું હતું, ત્યાં પુસ્તકોને બદલે રાજ્ય સરકારની ‘સરસ્વતી સાધના યોજના’ વર્ષ 2024-25 અંતર્ગત ફાળવવામાં આવેલી 500 જેટલી સાયકલો છેલ્લા પાંચ મહિનાથી ધૂળ ખાઈ રહી હતી. જે મુદ્દે ગુજરાત સમાચારે પ્રસારિત કરેલા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સાયકલોનું વિતરણ શરૂ છે.
આચાર્ય કર્યો હતો લૂલો બચાવ
આદિવાસી વિસ્તારની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા વર્ષ 2024-25 માં આ સાયકલોનું વિતરણ કરવાનું હતું. પરંતુ સત્તાધીશોની નિષ્કાળજીને કારણે આ સાયકલો જરૂરિયાતમંદ કન્યાઓ સુધી પહોંચવાને બદલે લાઈબ્રેરીના મકાનમાં ભંગાર બની રહી હતી. નવાઈની વાત તો એ હતી કે, આ લાઈબ્રેરીમાં આજદિન સુધી એક પણ પુસ્તક મૂકાયું નથી અને શાળાના આચાર્ય આ ગંભીર બાબતે અજાણ હોવાનો લૂલો બચાવ કરી રહ્યા હતા.
અહેવાલની ધારદાર અસર
શિક્ષણ જગત માટે સવાલ ઉભા કરતી આ લાઈબ્રેરી-સહ-ગોડાઉનની સ્થિતિ અંગે ‘ગુજરાત સમાચાર’ દ્વારા ગઈકાલે 30 માર્ચના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલની સીધી અસર જોવા મળી હતી. ઊંઘમાં ઝડપાયેલું વહીવટી તંત્ર અને શાળાના સંચાલકો તાત્કાલિક જાગી ગયા હતા. જે સાયકલો પર પાંચ માસથી ધૂળ ચઢી હતી, તેને સાફ કરી એસ.બી. સોલંકી વિદ્યામંદિરના આચાર્ય હસ્તક તાબડતોબ વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
દીકરીઓ અને વાલીઓમાં ખુશી
સાયકલો મળતા જ વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. હવે આ દીકરીઓને શાળાએ જવા માટે મુશ્કેલી વેઠવી નહીં પડે. પણ સ્થાનિકોમાં ચર્ચા છે કે જો અધિકારીઓએ વહેલી કાળજી લીધી હોત તો દીકરીઓને અભ્યાસ માટે આ સુવિધા વહેલી મળી શકી હોત. આખરે સરકારી ગ્રાન્ટનો વેડફાટ અટક્યો છે અને સાયકલો ખરા અર્થમાં દીકરીઓના શિક્ષણના માર્ગે દોડતી થઈ છે. હવે લાઈબ્રેરીનો પણ યોગ્ય ઉપયોગ થાય તેવી વાલીઓની માગ છે.


