છોટા ઉદેપુરમાં રૂ. 200 કરોડના રોડના કામો પર સંકટ, ડામરના ભાવવધારા અને અછતે કોન્ટ્રાક્ટરોની કમર તોડી! | Chhota Udepur Road Projects Worth ₹200 Cr Hit by Bitumen Price Surge Work Stalls

![]()
Chhota Udepur Road Projects: છોટા ઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા જિલ્લા પંચાયત હસ્તકના અંદાજે 200 કરોડ રૂપિયાના ડામરના રસ્તાની કામગીરી બંધ થઈ જાય તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે સ્થાનિક વિકાસ કામો પર જોવા મળી રહી છે, જેમાં ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે.
ભાવમાં મોટો ઉછાળો અને મટીરિયલની અછત
મળતી માહિતી અનુસાર, ડામરના ભાવ જે અગાઉ પ્રતિ ટન 53,000 રૂપિયા હતા, તે વધીને 62,000 રૂપિયા થઈ ગયા છે. આમ, સીધો 9,000 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત ડામર મિશ્રણમાં વપરાતા L.D.O. (લાઇટ ડીઝલ ઓઈલ) ના ભાવ 53 રૂપિયાથી વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. રિફાઇનરીઓમાંથી ડામરનો પૂરતો જથ્થો ન મળતા કામગીરી ઠપ્પ થવાના આરે છે. પહેલી તારીખથી હજુ પણ ભાવ વધવાની શક્યતાએ કોન્ટ્રાક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે.
7 તાલુકા અને 10 એજન્સીઓ પ્રભાવિત
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટા ઉદેપુર અને કદવાલ એમ સાતેય તાલુકાઓમાં હાલમાં 10 જેટલી એજન્સીઓ ડામર રોડનું કામ કરી રહી છે. હોળીના વેકેશન બાદ માંડ કામ શરૂ થયા હતા ત્યાં જ આર્થિક સંકટ આવી પડ્યું છે. સ્થાનિક કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, એસ્ટિમેન્ટ વખતે ડામરના ભાવ ઓછા હતા, પરંતુ હાલમાં આસમાને પહોંચેલા ભાવને કારણે કામ ચાલુ રાખવું અશક્ય બન્યું છે. જો આ જ સ્થિતિ રહી તો અમારે કામ બંધ કરવાની ફરજ પડશે.
મજૂરો અને ઉદ્યોગો પર અસર
જો આ કામગીરી બંધ થશે તો તેની માઠી અસર માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ અન્ય ક્ષેત્રો પર પણ પડશે. હજારો મજૂરોની રોજીરોટી છીનવાઈ જશે. કપચી અને મેટલ બનાવતા પ્લાન્ટ્સને ઓર્ડર મળતા બંધ થશે, જેનાથી તે ઉદ્યોગોને પણ તાળા વાગવાની નોબત આવશે. રોડના કામો અટકવાથી સરકારને મળતી મોટી રકમની રોયલ્ટીની આવકમાં પણ મોટું નુકસાન જશે. સમય મર્યાદામાં કામ પૂરું ન થાય તો કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી (દંડ) ભરવાનો પણ ભય સતાવી રહ્યો છે. હાલ તો જિલ્લાના વિકાસના પૈડાં ડામરના ભાવવધારામાં અટવાયા છે, ત્યારે સરકાર આ બાબતે કોઈ રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું.



