યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researchers from chemistry department of msu creats water filter

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળમાંથઈ પાણીજન્ય રોગો માટે કારણભૂત બનતા હાનિકારક બેકટેરિયાને દૂર કરી શકે તેવું ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવવામાં સફળતા મેળવી છે.
કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સીરિયાની વિદ્યાર્થીની એન્તેસર અલહોસિન તથા શ્રધ્ધાંજલિ સામલે આ વોટર ફિલ્ટર બનાવ્યું છે.જેમાં દરિયા કિનારા પર વિપુલ પ્રમાણમાં મળતી બ્રાઉન સી વીડ નામની શેવાળનો અને ચાંદીના નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરાયો છે.
પ્રો.ઠાકોરનું કહેવું છે કે, આ વોટર ફિલ્ટર પીવાનું પાણી શુધ્ધ કરવા માટે આદર્શ છે.અમે શેવાળમાંથી એલ્ગિનેટ નામનું તત્વ તારવીને તેના દાણા બનાવ્યા છે અને ચાંદીના નેનો પાર્ટિકલ્સ તેમાં ભેળવ્યા છે.એલ્ગિનેટમાં રહેવો વિશેષ પ્રકારનો ગુણધર્મ ચાંદીના નેનો પાર્ટિકલ્સને જકડી રાખે છે.બીજી તરફ ચાંદીમાં જીવાણુંઓનો નાશ કરવાની કુદરતી ખાસિયત છે.આ ફિલ્ટરમાંથી જ્યારે પાણી પસાર કરવામાં આવે છે ત્યારે તે પાણીમાં રહેલા ઈ કોલાઈ તથા બીજા બેક્ટેરિયાનો નાશ કરે છે.ઉપરાંત તે કેટાલિસ્ટ તરીકે પણ કામગીરી કરે છે.જેનાથી ઝેરી કાર્બનિક પ્રદૂષકો પણ દૂર થાય છે.આ ફિલ્ટરની ક્ષમતા અને બીજી બાબતો ચકાસવા માટેના સંશોધન હજી ચાલી રહ્યા છે.આ સંશોધનને કેમેસ્ટ્રી ક્ષેત્રની પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલેક્યુલ્સમાં પણ સ્થાન મળ્યું છે.
કેમેસ્ટ્રી વિભાગમાં ૩૦ વર્ષ બાદ વિદેશી સ્ટુડન્ટનું સંશોધન
સીરિયાની વિદ્યાર્થિની એન્તેસર અલહોસિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવી છે.તે કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના હાથ નીચે પીએચડી કરી રહી છે.કેમેસ્ટ્રી વિભાગમાં ૩૦ વર્ષ બાદ કોઈ વિદેશી સ્ટુડન્ટ પીએચડી કરી રહી છે અને તેનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું છે.
વૈશ્વિક સ્તરે રોજ ૩૫૦ અબજ લિટર પ્રદૂષિત પાણી ઉત્પન્ન થાય છે
પાણીમાં વધી રહેલું પ્રદૂષણ વૈશ્વિક સ્તરે પણ ચિંતાનો વિષય બની રહ્યું છે.ગંદા પાણીના કારણે ફેલાતા રોગચાળાની સમસ્યા વકરી રહી છે.એક અંદાજ પ્રમાણે ઉદ્યોગોના વપરાશ તથા બીજા પરિબળોના કારણે દુનિયામાં રોજ ૩૫૦ થી ૪૦૦ અબજ લિટર પાણી પ્રદૂષિત થાય છે.



