શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14 09 crore due to losses in the stock market is a 10th pass

![]()
વડોદરા,સરદાર એસ્ટેટની કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ માત્ર ધો.૧૦ સુધી જ ભણેલો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે વધુ તપાસ માટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ લીધા છે.
આજવારોડ સરદાર એસ્ટેટમાં શ્રી ઉમિયાજી મસાલા મિલ ધરાવતા કલ્પેશભાઇ અશોકભાઇ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારી ફેક્ટરીમાં છેલ્લા ૧૨ વર્ષની એકાઉન્ટન્ટ તરીકે રાકેશ પ્રભાતસિંહ પરમાર (રહે. માધવ રેસિકોમ પ્લાઝા, ખોડિયારનગર) નોકરી કરતો હતો. મારાથી શેરબજારમાં ૮ કરોડનો લોસ થઇ ગયો છે, તેવું ચિઠ્ઠીમાં લખીને તે જતો રહ્યો હતો. કંપનીના હિસાબો ચેક કરતા રાકેશે તા. ૦૧-૧૨- ૨૦૨૨ થી તા.૨૫-૦૨-૨૦૨૬ દરમિયાન ૧૪.૦ ૯ કરોડ રૃપિયાની ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું. બાપોદ પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી રૃપિયા રિકવર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં એકાઉન્ટન્ટે ફરિયાદી કલ્પેશભાઇ સામે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી એવા આક્ષેપો કર્યા છે કે, કલ્પેશભાઇ પેઢીના એકાઉન્ટ જોતા હતા. હું એકાઉન્ટ અને જી.એસ.ટી. માટે ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તેઓના કહેવાથી મેં શેરબજારના કામ માટે એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેઓ મારા ખાતામાં શેરબજારના સોદા કરતા હતા.બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.કે. ગુર્જરે જણાવ્યું છે કે, રાકેશે કરેલી અરજીના આક્ષેપો ખોટા હોવાનું જણાય છે. અમે તપાસ કરી રહ્યા છે. બાકીના રૃપિયાનું રોકાણ રાકેશે ક્યાં કર્યું, તે અંગે તપાસ ચાલી રહી છે.



