જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ | One youth died another youth injured in two separate vehicle accidents in Jamnagar district

![]()
જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સમાણા ગામથી સડોદર જતા માર્ગ પર કટીધાર પાસે તા. 12 માર્ચ 2026ના સાંજે અકસ્માત સર્જાયો હતો.
સડોદર ગામના રહેવાસી રાહુલભાઈ કાલીદાસ ગાંજણ (ઉં. 35) પોતાની નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની બાઇક સ્લીપ થઈ જતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને જી.જી. હોસ્પિટલ, જામનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે પુજાબેન ગાંજણ દ્વારા બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બેદરકારીપૂર્વક કાર હંકારી બાઈક સવારને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.5 માર્ચ 2026ના રોજ રાત્રે નુરી ચોકડી નજીક ફૈઝ મોટર ગેરેજ પાસે અકસ્માત સર્જાયો હતો.
દોલતપુર (શામળાજી, અરવલ્લી)ના રહેવાસી ગાલીલભાઈ કમજીભાઈ કટારા પોતાની પ્લેટિના મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી કારના ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે વાહન હંકારતા તેમને ઠોકર મારી હતી.
અકસ્માતમાં ગાલીલભાઈને માથામાં હેમરેજ, ખંભામાં ફ્રેક્ચર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ મામલે શોભનાબેન કટારાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.



