गुजरात

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drowning in a pond in Rana Rojiwada village



ખોબા જેવડા ગામમાં શોકનો માહોલ છવાયો

શાળાએથી છુટયા બાદ તળાવમાં ન્હાવા પડેલા બન્ને મિત્રો ઉંડા પાણીમાં ગરક

પોરબંદર: પોરબંદર જિલ્લાના રાણા રોજીવાડા ગામમાં આજે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહેલા બે માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં માતમનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, રાણા રોજીવાડા ગામે રહેતા બે મિત્રો નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉં.વ.૧૧ ) તથા સુમિત જગદીશભાઈ સોલંકી (ઉં.વ.૧૨ )આજે બપોરે શાળાએથી છૂટયા બાદ ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં આવતા નેસડા તળાવ પાસે પહોંચતા બંને બાળકોને નાહવાનો વિચાર આવ્યો હતો. ઉનાળાની શરૂઆત અને બપોરનો સમય હોવાથી બંને બાળકો તળાવના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા.જોકે, પાણીના ઉંડાણનો અંદાજ ન આવતા બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબતા હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે બંને બાળકોને બચાવી શકાયા નહોતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢયા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો ઉમટી પડયા હતા, જ્યાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.આ મામલે બગવદર પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

– પાંચ બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે ૧૨ વર્ષીય સુમિત સોલંકી તેના પરિવારમાં પાંચ બહેનો વચ્ચેનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. એકાએક ભાઈનું મૃત્યુ થતા બહેનો અને માતા-પિતા પર જાણે આભ તૂટી પડયું છે.



Source link

Related Articles

Back to top button