સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | Vadodara students will be given admission in 95 percent seats in the Commerce Faculty

![]()
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં આ વર્ષથી 95 ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે તેવી સ્પષ્ટતા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ સત્તાધીશોએ કરી દીધી છે. જેના કારણે વડોદરાના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકોનો આંકડો અધ્ધરતાલ જ રખાતો હતો અને છેલ્લી ઘડીએ સ્પષ્ટતા કરાતી હતી. દરમિયાન પ્રવેશ પ્રક્રિયામાં થનારા ફેરફારો અંગે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, આ વર્ષે એફવાયમાં 6730 બેઠકો પર પ્રવેશ અપાશે. જે ગત વર્ષ કરતા વધારે છે. ઉપરાંત યુનિટ બિલ્ડિંગ પર આ વખતે બીકોમ ઓનર્સમાં 1820 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે અને 333 બેઠકો પર બીકોમ વોકેશનલનો નવો કોર્સ શરૂ કરીને તેના પર પ્રવેશ અપાશે. બાકીના વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો પર એડમિશન મળશે. આમ આ વર્ષથી હાયર પેમેન્ટ બેઠકો ઓછી થઈ જતા વિદ્યાર્થીઓને ફીમાં રાહત થશે. તેમણે કહ્યું હતું કે, એફવાયમાં પહેલી વખત પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે અને તેના 25 ટકા માર્કસ પ્રવેશ માટે ગણતરીમાં લેવાશે, બાકીનું 75 ટકા વેઈટેજ ધો.12ના પરિણામનું રહેશે. 10000 જેટલા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપે તેવો અંદાજ છે. એન્ટ્રન્સ ટેસ્ટ લેવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક માહોલ માટે પહેલેથી જ તૈયાર કરવાનો છે. પારદર્શક અને નિષ્પક્ષ રીતે પ્રવેશ પરીક્ષા લેવાય તે માટે બહારની એજન્સીને આ કામગીરી સોંપવામાં આવશે.
એમકોમમાં સપ્લાય ચેઈનનો નવો અભ્યાસક્રમ શરૂ કરાશે
કોમર્સ ફેકલ્ટી દ્વારા એમકોમમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની સાથે એક નવા અભ્યાસક્રમ એમકોમ ઈન ગ્લોબલ બિઝનેસ એન્ડ સપ્લાય ચેઈન ઓપરેશન્સનો પણ નવા શૈક્ષણિક વર્ષથી પ્રારંભ થશે. આ અભ્યાસક્રમમાં 80 બેઠકો હશે તેનું સંચાલન હાયર પેમેન્ટ ધોરણે થશે. કોઈ પણ પ્રકારની બેચલર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી તેમાં પ્રવેશ લઈ શકશે. આ માટેની ફી જોકે હજી જાહેર કરવામાં આવી નથી.
એફવાયમાં કયા યુનિટ પર કેટલી બેઠકો
|
ગર્લ્સ |
1170 |
|
મેઈન |
1950 |
|
જનરલ એજ્યુકેશન |
1820 |
|
પાદરા |
1520 |
|
બીકોમ વોકેશનલ |
333 |
બીકોમ ઓનર્સના ચોથા વર્ષમાં 500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
નવી શિક્ષણ નીતિ પ્રમાણે બીકોમ ઓનર્સમાં અત્યારે વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં ભણી રહ્યા છે. હવે ચોથા વર્ષમાં આ પૈકીના 500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે સત્તાધીશો વિચારણા કરી રહ્યા છે. આ પૈકી 100 જેટલા વિદ્યાર્થીઓ બીકોમ ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ અપાશે. જે પછી તેઓ સીધા પીએચડી માટેની પ્રવેશ પરીક્ષા આપી શકશે અને રજિસ્ટ્રેશન કરી શકશે. જોકે ત્રીજા વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એમકોમમાં અને પીજી ડિપ્લોમામાં પ્રવેશ લેવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. એમકોમમાં દર વર્ષની જેમ 1200 થી 1300 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.
એન્ટ્રન્સ ટેસ્ટ માટે જીકાસનું રજિસ્ટ્રેશન ફરજિયાત
એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરકારના પોર્ટલ જીકાસ પર અને એ પછી એમ.એસ યુનિવર્સિટીના પોર્ટલ પર વિદ્યાર્થીએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એન્ટ્રન્સ ટેસ્ટમાં બેસવા માટે વિદ્યાર્થીએ જીકાસનો રજિસ્ટ્રેશન નંબર પૂરો પાડવો પડશે.


