સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શિરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી : વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વસ્તી ગણતરીની તાલીમની બેવડી જવાબદારી | Dual responsibility of census training with examinations for teachers of Surat Education Committee

![]()
Surat Education Committee : થોડા સમય પહેલાં બીએલઓ કામગીરી અને હાલમાં પુરી થયેલી બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હવે આગામી દિવસોમાં વસ્તી ગણતરી 2027 શું થવા જઈ રહી છે ત્યારે વસ્તીગણતરીમાં માત્ર શિક્ષકો જ નહી પરંતુ આચાર્યોને પણ જોડી દેવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિમાં 3 એપ્રિલથી વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તેની સાથે હવે વસ્તીગણતરીના રાષ્ટ્રીય કામગીરી સોંપવામાં આવી રહી છે. જેના કારણે શિક્ષકો-આચાર્ય ફિલ્ડમાં અને વિદ્યાર્થીઓ શિક્ષકો શોધતા નજરે પડશે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ઓછા અને સરકારી કાર્યક્રમ, રાષ્ટ્રીય કામગીરી અનેક કાર્યક્રમોના કારણે વર્ગખંડમાં ઓછો સમય મળી રહ્યો છે તેવી વ્યાપક ફરિયાદ છે. જેના કારણે શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર નીચું જતું હોવાની પણ ફરિયાદ વધી રહી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા સત્ર શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શિક્ષકોને ફરીથી ઈતર પ્રવૃત્તિ સાથે જોડી દેવામાં આવ્યા છે. હાલમાં બીએલઓ (એસ.આઈ.આર)ની કામગીરી પૂરી થઈ ત્યાં બોર્ડની પરીક્ષામાં 600 થી વધુ શિક્ષકોને સુપરવિઝન માટે જોડી દેવામાં આવ્યા હતા. આ ઓછું હોય તેમ હવે વસ્તી ગણતરી 2027 શરૂ થવા જોઈ રહી છે તેના માટે સમિતિના 300 થી વધુ આચાર્ય અને શિક્ષણ સમિતિના અનેક શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે.
વસ્તી ગણતરી માટે તાલીમ શરૂ થવા જઈ રહી છે તેની સાથે 3 એપ્રિલથી સમિતિના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે. પરીક્ષા અને તાલીમ બન્ને શરુ થઈ છે તેના કારણે હવે વર્ગખંડમાં શિક્ષક અને આચાર્યની મોટી ગેરહાજરી જોવા મળશે. આ ઉપરાંત વસ્તી ગણતરી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે તેથી તે સમય દરમિયાન પણ શાળામાં શિક્ષકોની હાજરી ભાગ્યે જ જોવા મળશે. શિક્ષકોની ઘટ વચ્ચે અનેક શિક્ષકો વસ્તીગણતરીમાં જોડાશે તેના કારણે વર્ગખંડમાં શિક્ષકો જોવા મળશે નહી. જેથી વધુ એક વાર શાળામાં એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળવાની જવાબદારી નિભાવશે.


