રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedabad Man Chooses Self Destruction in Ranip Over Wife s Extra Marital Affair Note Found

Ahmedabad Ranip Self Destruction Case: અમદાવાદના રાણીપમાં પત્નીના અન્ય પુરુષો સાથેના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળીને એક 42 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતકે મરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી છે, જેમાં પત્નીના અન્ય પુરુષો સાથેના સંબંધ અને બાળકોના ભવિષ્ય અંગેની ચિંતા વિશે લખીને વેદના ઠાલવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના નાના ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ ઘટના અંગે મૃતકના નાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમના મોટા ભાઈ રાણીપમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી મૃતકની પત્નીના અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધોને કારણે પરિવારમાં અશાંતિ હતી, જેના કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો.
પત્ની પિયર ગયા બાદ યુવકે ભર્યું આત્મઘાતી પગલું
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગત 21 માર્ચના રોજ પીડિત યુવકના સાળાઓ ઘરે આવ્યા હતા અને તેની પત્નીને પિયર લઈ ગયા હતા. બીજા દિવસે સવારે પીડિત યુવક કોઈને કહ્યા વગર પોતાના રાણીપ સ્થિત ઘરે પહોંચ્યો હતો. જ્યારે તેના ભાઈઓને શંકા ગઈ ત્યારે તેઓ ઘરે પહોંચ્યા, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. ગેલેરીમાંથી અંદર પ્રવેશતા યુવક બેડરૂમમાં પંખા સાથે ચાદર વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. 108ની ટીમે તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઘરના સોફા પરથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં આત્મહત્યા પાછળના કારણોનો ઉલ્લેખ હતો.
આ પણ વાંચો: ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા
સ્યુસાઇડ નોટમાં પત્નીના આડા સંબંધોનો ઘટસ્ફોટ
મૃતકે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું આત્મહત્યા કરું છું કારણ કે મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધો હતા. મેં ઘણું સમજાવ્યું અને સમાધાન પણ કર્યું, છતાં તેમાં કોઈ સુધારો આવ્યો નહીં.’ મહત્ત્વનું છે કે, પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સ્યૂસાઈડ નોટમાં મૃતકની પત્નીના અન્ય પુરુષો સાથેના સંપર્ક અને મોબાઈલ નંબરની વિગતો પણ આપવામાં આવી છે. વધુમાં, પત્નીએ સગા-સંબંધીઓના દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. દશરથભાઈએ પત્નીને સજા અપાવવાની વિનંતી કરી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.




