ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું કોર્પોરેશનમાં હલ્લાબોલ ઃ નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો | Congress creates ruckus in corporation over corruption issue: Protest by blowing up fake notes

![]()
આસિસ્ટન્ટ મ્યુન્સિપલ કમિશનર લાંચ લેતા પકડાતા
કમિશનર ઓફિસનો ઘેરાવો કરાયો ઃ મેયર સહિતના પદાધિકારીઓના વાહનો ઉપર પર ભ્રષ્ટ તંત્રના સ્ટીકરો લગાવ્યા
ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને
એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા બાદ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ
સામે પગલાં ભરવાની માગણી સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને નકલી નોટો ઉડાડીને
વિરોધ કરી પદાધિકારીઓના વાહનો ઉપર પણ ભ્રષ્ટ તંત્રના સ્ટીકર ચિપકાવી દીધા હતા. આ
વિરોધને પગલે કોર્પોરેશનમાં માહોલ ગરમાયો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકામાં એક પછી એક અધિકારી કર્મચારીઓ
લાંચના છટકામાં પકડાઈ રહ્યા છે ત્યારે કોર્પોરેશનની આ કચેરીમાં રૃપિયા આપ્યા વગર
કામ નહીં થતા હોવાની ફરિયાદો વ્યાપક બની છે આ સ્થિતિમાં આજે ગાંધીનગર શહેર જિલ્લા
કોંગ્રેસ સમિતિ દ્વારા કોર્પોરેશનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજી
દેવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અને લાંચિયા અધિકારીઓ સામે કડક પગલાં ન લેવાતા
હોવાના આક્ષેપ સાથે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના
કાર્યકર્તાઓએ કમિશનરની ઓફિસને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને શાસક પક્ષ વિરુદ્ધ
ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ
પાલિકા પરિસરમાં નકલી નોટો હવામાં ઉડાડીને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
કાર્યકર્તાઓનો આક્ષેપ હતો કે પાલિકામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો-ફાલ્યો છે અને અધિકારીઓ
પ્રજાના કામ કરવાને બદલે માત્ર નાણાંના લોભમાં પડયા છે. લાંચિયા તંત્રને જગાડવા
માટે આ નકલી નોટો ઉડાડવાનો પ્રતિકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કાર્યકરોએ મેયરની સત્તાવાર ગાડી તેમજ શાસક પક્ષના અન્ય નેતાઓની ગાડીઓ પર પણ
ભ્રષ્ટાચારી અને લાંચિયા લખેલા સ્ટીકરો ચોંટાડી દીધા હતા. આ ઘટનાને પગલે
કોર્પોરેશનના સંકુલમાં સુરક્ષા વ્યવસ્થા દોડતી થઈ ગઈ હતી અને થોડીવાર માટે
અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસે સ્પષ્ટ
ચીમકી આપી છે કે, જો આગામી
દિવસોમાં ભ્રષ્ટાચારીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ
ઉગ્ર બનાવવામાં આવશે.



