ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted accused of Gujsitok with the help of drone

![]()
પાલીતાણાનો રણજીત પરમાર બોડીયા ગેંગનો લીડર
આરોપી સામે ચોરી-લૂંટ-દુષ્કર્મ સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાઇ ચુક્યા છેઃ પોલીસે મજૂરોનો સ્વાંગ રચી ટ્રેક્ટરમાં પીછો કર્યો
રાજકોટ: સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષ દરમિયાન અનેક મિલ્કત અને શરીર સબંધી ગુના આચરી તરખાટ મચાવનાર બોડીયા ગેંગના લીડર રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજી પરમાર (ઉ.વ.૪૫, રહે. પાલીતાણા)ને રાજકોટ રૂરલ પોલીસે પાલીતાણાનાં ડુંગરાળ વિસ્તારમાંથી નાટકીય ઢબે ઝડપી લીધો હતો.
તાજેતરમાં બોડીયા ગેંગ સામે વિંછીયા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ગેંગ લીડર રણજીત ઉર્ફે બોડીયો હાથમાં આવ્યો ન હતો. ઘણાં સમયથી રાજકોટ રૂરલ પોલીસ તેને શોધતી હતી. પાલીતાણાનાં ડુંગરાળ વિસ્તારમાં હોવાની માહિતી મળતાં પોલીસે તાપસ શરૂ કરી હતી.
પરંતુ તે સતત ભાગતો હોવાથી આખરે પોલીસે ડ્રોનની મદદથી તેને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. તે સાથે જ પોલીસની એક ટીમ મજુરોનાં સ્વાંગમાં ટ્રેક્ટરમાં બેસી તેની નજીક ધસી ગઇ હતી. આમ છતાં અંદાજો આવી જતા તે ભાગ્યો હતો. જોકે થોડે દૂરથી જ પોલીસે તેને ઝડપી લીધો હતો. તેનાં વિરુદ્ધ લૂંટ અને દુષ્કર્મનો એક-એક, ઘરફોડ ચોરીનાં ૩૫, અન્ય ચોરીનો એક, ચાર ગેંગ કેસ સહિતનાં ગુના નોંધાયેલા છે.
તેને કોર્ટમાં રજુ કરી સાત દિવસનાં રિમાન્ડ પર મેળવી પોલીસે તપાસ આગળ ધપાવી છે. તે સાથે જ તેની ગેંગનાં અન્ય વોન્ટેડ સભ્યોની શોધખોળ જારી રાખી છે.



