રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutally raped near Jetpur

![]()
સ્કૂટરમાં લિફ્ટના બહાને અજાણ્યા શખ્સનું કારસ્તાન
પત્નીનું શારીરિક શોષણ કરનાર શખ્સને શોધવા જેતપુર આવેલા પતિ પર પણ મહિલા સહિત ત્રણ લોકોએ હુમલો કર્યો, ચારે’યની ધરપકડ
જેતપુર: જેતપુરમાં લિફ્ટ આપવાના બહાને એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટથી બ્યૂટી પાર્લરની તાલીમ પૂરી કરીને પરત ફરી રહેલી મહિલાને જૂનાગઢ સુધી મુકી જવાનો વિશ્વાસ આપી, અજાણ્યા શખ્સે અવાવરુ સ્થળે લઈ જઈને પીંખી નાખી હતી. એટલું જ નહીં, ઘટનાની જાણ થતાં તપાસ કરવા ગયેલા પીડિતાના પતિ પર પણ માથાભારે શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ,મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને રાજકોટ ખાતે બ્યૂટી પાર્લરનું કામ શીખવા ગયેલી મહિલા પોતાના વતન પરત ફરી રહી હતી ત્યારે જેતપુર બસ સ્ટેન્ડ ખાતે ઉતરી હતી. આ સમયે ત્યાં એક અજાણ્યો એક્ટિવા ચાલક આવ્યો હતો અને પોતે જૂનાગઢ જતો હોવાનું કહી મહિલાને જૂનાગઢ ઉતારી દેવાની વાત કરી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આ શખ્સે પોતાની ઓળખ મોસીન ઉર્ફે બાદશાહ (રહે. નવાગઢ) તરીકે આપી હતી અને મહિલાને કોઈ અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
પત્ની સાથે થયેલી આ બર્બર ઘટનાની જાણ થતાં, યુવાન પોતાની પત્ની અને સાળા સાથે ગત તા. ૨૨ના બપોરના સમયે જેતપુર ખાતે બનાવની જગ્યા જોવા માટે આવ્યો હતો. તેઓ નવાગઢ વિસ્તારમાં ધારેશ્વર ચોકડી પાસે, ભુરી માસીની ઓરડી નજીક પહોંચ્યા હતા. ત્યાં હાજર ભુરીબેન નામની મહિલાને તેઓએ ‘બાદશાહ’ નામની વ્યક્તિ અંગે પૂછપરછ કરી હતી. આ પૂછપરછથી ઉશ્કેરાઈ પોતાના દીકરા જયેશ અને મિત્ર દીપીનને ફોન કરીને બોલાવી લીધા હતા. આ ત્રણેય જણાએ હુમલો કરી યુવાનને ડાબા હાથ પર તથા જમણા પગે બેફામ માર મારવા માંડયો હતો. આ હુમલામાં યુવાનને ડાબા હાથના ભાગે ટાંકા લેવા પડે તેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ બંને પગમાં મુંઢ ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં આરોપીઓ (૧) ભુરીબેન, (૨) ભુરીબેનનો દીકરો જયેશ અને (૩) ભુરીબેનનો મિત્ર દીપીન સામે હુમલો કરી માર મારવા અંગેની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડયા હતા તેમજ દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી મોસીન ઉર્ફે બાદશાહની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યો હતો.



