‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara News Social Media Dating App Honeytrap with Robbery Case

![]()
Vadodara News: વડોદરામાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી હનીટ્રેપ અને લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 32 વર્ષીય બાયો સેક્સ્યુઅલ યુવકને નિશાન બનાવીને લૂંટારુ ટોળકીએ લાખોની મતા પડાવી ફરાર થઈ ગઈ છે.
યુવકને વિશ્વાસમાં લઈ ફ્લેટ પર બોલાવ્યો
ભોગ બનનાર યુવકે એક વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ ફોટા સાથે અપલોડ કરી હતી. આ પ્રોફાઇલ જોઈને આરોપીઓએ તેને જાળમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ યુવકનો સંપર્ક કરી તેને વિશ્વાસમાં લીધો અને મળવા માટે એક ફ્લેટ પર બોલાવ્યો હતો.
‘તમે બંને બંધ રૂમમાં શું કરો છો?’
યુવક જ્યારે ફ્લેટ પર પહોંચ્યો ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ માત્ર એક જ આરોપી તેની સાથે બેઠો હતો, જ્યારે અન્ય તમામ આરોપીઓ બીજા રૂમમાં સંતાઈ ગયા હતા. થોડી વારમાં સંતાયેલા શખ્સો બહાર આવ્યા હતા અને ‘તમે બંને બંધ રૂમમાં શું કરો છો?’ તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસની ઓળખ આપી લૂંટ
આરોપીઓએ પોતાની ઓળખ નકલી પોલીસ તરીકે આપી હતી. તેમણે યુવકને ડરાવી-ધમકાવીને કેસ કરવાની ધમકી આપી હતી અને પતાવટ માટે પૈસાની માંગણી કરી હતી. આરોપીઓ યુવકને બળજબરીપૂર્વક એટીએમ સેન્ટર પર લઈ ગયા હતા, પરંતુ ત્યાં ટેકનિકલ કારણોસર કે બેલેન્સના અભાવે પૈસા નીકળ્યા ન હતા. અંતે આરોપીઓ યુવકને ફરી ફ્લેટ પર લાવ્યા હતા અને તેની પાસેથી સોનાની બે વીંટી તથા સોનાની ચેન પડાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે કરી કાર્યવાહી
આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા વડોદરા પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓના નામ અને સરનામા શોધી કાઢ્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલી કાર કબજે કરી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.



